• સોમવાર, 15 જૂન, 2026

જનાદેશનું ઋણ મોદી સરકારે અઢળક વિકાસકામો કરી ચૂકવ્યું

ભુજ, તા. 14 : દેશની પ્રજાએ અપાર જનાદેશ આપી સતત ત્રણ ટર્મથી નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન પદે બેસાડયા છે. મોદી સરાકરે આ જનાદેશનું ઋણ અઢળક વિકાસકામો કરી ચૂકવ્યું છે, તેવું ભુજમાં કચ્છ ભાજપ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તેને બાર વર્ષ પૂર્ણ થતાં ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે સર્કિટ હાઉસ ખાતે આયોજિત મીડિયા સંવાદમાં કચ્છના પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વડાપ્રધાનના 12 અને મુખ્યમંત્રીના 14 વર્ષ મળી 26 વર્ષના કાર્યકાળમાં કચ્છનો વિકાસ દેશ-દુનિયા માટે મિસાલરૂપ બન્યાનું કહી શ્રી મોદીએ કચ્છને વિશ્વસ્તરે નામના અપાવવાની પોતાની નેમ પૂરી કરી બતાવી છે. સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ સૌથી વધુ વખત વડાપ્રધાન પદે આરૂઢ રહી દેશની પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. આ વિશ્વાસનાં કારણે જ વિકાસની વણથંભી વણજાર અવિરત આગળ ધપી રહી છે અને જનકલ્યાણનાં અનેકવિધ કામો હાથ ધરાઈ રહ્યાં છે. સાંસદે કચ્છમાં થયેલાં વિવિધ કામોની વિગતે માહિતી આપી હતી. પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશમાં સત્તાની બાગડોર સંભાળી છે ત્યારથી દેશનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ડિજિટલાઈઝેશનને આગળ ધપાવવાનું હોય કે પછી જનધન ખાતાં ખોલાવી લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટનો લાભ આપવાનો હોય. વડાપ્રધાને દરેક વર્ગને ધ્યાનમાં રાખી વિકાસયાત્રાને આગળ ધપાવી છે. સંગઠન પ્રભારી ફલજી ચૌધરીએ ભારતના વિકાસથી વિશ્વનો વિકાસ થશે તેવા શ્રી મોદીના મંત્ર થકી વસુધૈવ કુટુંબકમ્ની ભાવના સાર્થક થઈ રહી છે અને દેશ અલગ-અલગ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે 12 વર્ષ દરમિયાન મોદી સરકારે કરેલા સુશાસન ને કામગીરી લોકો સુધી પહોંચાડવા હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી આપી અંત્યોદય સુધી વિકાસ પહોંચાડયાનું કહ્યું હતું. ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોધાણી તેમજ ઉજવણીના ઇન્ચાર્જ સુરેશ સંઘાર હાજર રહ્યા હતા. વ્યવસ્થા મીડિયા સેલના સાત્ત્વિકદાન ગઢવી, ચેતન કતિરા અને જય મહેશ્વરીએ સંભાળી હતી. 

Panchang

dd