• સોમવાર, 15 જૂન, 2026

મોંઘવારીના વધતા બોજાથી નાગરિકોની હાલત કફોડી

ખાડીમાં ચાલતાં યુદ્વના અંતનો તખતો વધુ એક વખત તૈયાર થઈ ગયો છે.  ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સમજુતી પર સહી થવાની છે. આનાથી આ વિસ્તારમાં સ્ફોટક સ્થિતિ હળવી બનીને થાળે પડે એવી આશા વધુ એક વખત આકાર લઈ રહી છે. આવા સંજોગોમાં વિશ્વની સામે ઊભી થયેલી કપરી આર્થિક કટોકટીમાં પણ હવે હળવાશે આવી શકે તેમ છે. જો કે, આ આર્થિક કટોકટી એટલી ગંભીર છે કે,પરિસ્થિતિને થાળે પડતાં હજી લાંબો સમય લાગી શકે તેમ છે. ક્રૂડ તેલના ભડકે બળતા ભાવોની ઝાળ દુનિયાના દેશોના અર્થતંત્રને દઝાડી રહી છે, ત્યારે સામાન્ય માનવીની ઉપર મોંઘવારીના બોજાએ ભારે ગંભીર સ્થિતિ ઊભી કરી છે.  દુનિયાભરના દેશોની જેમ ભારતના બજેટ અને વિકાસના વર્તારાને ખોરવી નાખનાર ખાડી વિસ્તારના જંગે ખાદ્યપદાર્થોના ભાવોને આસમાને પહોંચાડી દીધા છે. ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના રોજબરોજના જીવનને ભારે અસર કરનાર આ વધારામાં ખાદ્યપદાર્થોનો ભાવવધારો ચાવીરૂપ બની રહ્યો છે. મે મહિના દરમ્યાન દેશમાં છૂટક મોંઘવારીનો દર 3.93 ટકા અને ખાદ્ય મોંઘવારીનો દર 4.78 ટકાએ પહોંચી ગયો છે.  વધી રહેલા આ દરનો સીધો અર્થ એ થાય કે, મધ્યમ અને ગરીબ વર્ગના ભોજનના ખર્ચની ઉપર મોટી અસર પડી રહી છે. ખાડી વિસ્તારમાં લાંબા સમયથી સંઘર્ષને લીધે ક્રૂડ તેલના વૈશ્વિક ભાવો ભડકે બળી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારાએ પરિવહનથી માંડીને ઉત્પાદન સુધીના તમામ તબક્કા પર બોજો વધાર્યો છે.  સૌથી વધુ કફોડી હાલત સીમિત આવક ધરાવતા પરિવારોની થઈ રહી છે.  રોજબરોજની ચીજો અને તેમાં પણ ખાવા-પીવાની અનિવાર્ય વસ્તુઓના સતત વધી રહેલા ભાવોએ ભોજનની થાળી મોંઘી બનાવી દીધી છે. ખાડીના જંગના અંતની આશા જાગી છે, પણ મોંઘવારીના બોજામાંથી રાહત બહુ જલ્દી મળે એવી કોઈ આશા જણાતી નથી.  એક તરફ વૈશ્વિક સ્થિતિને થાળે પડતાં સમય લાગશે તેની સાથોસાથ ભારત પર તોળાતાં અલ નીનોના જોખમથી ચોમાસું નબળું રહે એવી આશંકા સાચી ઠરે તો ખેતપેદાશોની અછતથી ભાવોમાં હળવાશ આવે એવી શક્યતા નામશેષ થઈ જાય તેમ છે. આમ ભારતના સામાન્ય અને ગરીબ વર્ગ માટે મોંઘવારીના પડકારમાંથી તત્કાળ રાહત મળે એવા કોઈ અંધાણ કળતા નથી. ખરેખર તો સરકારે ક્રૂડના ભાવો ઘટે તો દેશમાં ઈંધણના ભાવોમાં ઘટાડો કરીને સામાન્ય માનવીઓની તકલીફને હળવી બનાવવામાં મદદરૂપ થવાની નીતિ તાકીદે અમલમાં મૂકવાની જરૂરત બની રહેશે.  ક્રૂડના ભાવો ઘટવા લાગ્યા છે તેવા સમયે આવું કોઈ પણ પગલું મોંઘવારીને નાથવામાં અને અર્થતંત્રને પાટે ચડાવવામાં ભારે મદદરૂપ બની શકશે એ સાદી હકીકત સરકારે સમજીને તેના પર ધ્યાન આપવું જોઈએ. આમ કરીને તોળાતાં કુદરતી આફતના જોખમને પણ હળવું કરીને મોંઘવારીના આગોતરા સામના માટે સજ્જ  થઈ શકાય તેમ છે.    

Panchang

dd