• સોમવાર, 15 જૂન, 2026

ખેડૂતો રાસાયણિક ખાતરોના આડેધડ વપરાશથી બચે

ભુજ, તા. 14 : કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર અનુસંધાન સંસ્થાન (કાઝરી), કુકમા દ્વારા તાજેતરમાં ભુજ તાલુકાના પદ્ધર અને લાખોંદ ગામોમાં `ખેત બચાવો અભિયાન' અંતર્ગત એક વિશેષ ખેડૂત સંપર્ક અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કાઝરીના વૈજ્ઞાનિકો અને  નિષ્ણાતોએ ખેડૂતોના ખેતરોની રૂબરૂ મુલાકાત લઈને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક એમ. સુરેશકુમાર અને ડો. અભિષેક પટેલે ખેડૂતોને અભિયાનના મુખ્ય ઉદ્દેશોથી માહિતગાર કર્યા હતા. વૈજ્ઞાનિકોએ આ વાત પર વિશેષ ભાર મૂક્યો હતો કે, ખેતરની ઉત્પાદકતા  પ્રાકૃતિક પદ્ધતિઓથી કેવી રીતે વધારવી જોઇએ. તેમણે રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગને બંધ કરી તેના સ્થાને દેશી ખાતર, ગાયનું છાણ અને `બીજામૃત' જેવી પ્રાકૃતિક પ્રણાલીઓ અપનાવવાની સલાહ આપી હતી.આ સાથે, તેમણે ખેતરના શેઢા-પાળા પર `ગ્લેરીસીડિયાઅને `શેસબાનિયાજેવા સહાયક વૃક્ષો વાવવાની માહિતી આપી હતી, જે કુદરતી રીતે જ જમીનમાં નાઇટ્રોજનની માત્રા વધારે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. સંસ્થાના ટેકનિકલ અધિકારી  મહાવીરાસિંહે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતરની માટીના નમૂના લેવાની રીતનું નિદર્શન આપ્યું હતું.   ટેકનિકલ સ્ટાફના સભ્ય ભવાની દરજીએ  પાણીનો બગાડ અટકાવવા માટે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જેવી કે, `ટપક પદ્ધતિ' અને `ફુવારા પદ્ધતિ' અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે પદ્ધરના સરપંચ રાજેશ નારણ ખુંગલા સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd