• સોમવાર, 15 જૂન, 2026

ગાંધીધામની શાળાઓમાં હવે સ્વાસ્થ્યની પણ ઘંટડી વાગશે

ગાંધીધામ, તા. 13 : શાળા શરૂ થાય, રિસેસ પડે કે શાળા છુટે, ત્યારે બેલ વાગે છે, પરંતુ હવે આ ઉપરાંત શાળાઓમાં સ્વાસ્થ્યની પણ ઘંટડી ગાંધીધામની શાળાઓમાં વાગશે. ગાંધીધામથી શરૂ થયેલી આ વોટર બેલ મુહીમ દેશવ્યાપી બનશે તેવો આશાવાદ  ઈન્નરવ્હીલ ક્લબના નેતૃત્વ હેઠળ ગાંધધામ ચેમ્બર, સર્વશિક્ષા અભિયાન, ગેઈમ્સ, પીડિયાટ્રિક એકેડમી ટ્રસ્ટ અને ચાઈલ્ડ હેલ્થ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત સેમિનારમાં વ્યક્ત કરાયો હતો. - આ અભિયાન સમયોચિત : ગાંધીધામના ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીએ વોટર બેલ અભિયાનને સમયોચિત અને સમાજોપયોગી પહેલ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળકોમાં સ્વસ્થ આદતોનું નિર્માણ કરતું આ અભિયાન ભવિષ્યમાં સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ મોડેલ બની શકે છે અને આ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓને રાજ્ય સરકાર તરફથી  સહકાર મળશે તેવી ખાતરી આપી હતી. - મહાપાલિકા પણ આ પ્રકલ્પમાં જોડાશે : ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, કારોબારી સમિતિના ચેરમેન તેજસ શેઠ તથા દંડક સુરેશભાઈ દુઆએ સંયુક્તપણે વોટર બેલ જેવી લોકજાગૃતિ અભિયાનને મહત્ત્વનું ગણાવ્યું હતું. મહાનગરપાલિકા  પણ  અભિયાન સાથે સક્રિય રીતે જોડાઈ તેના વ્યાપને વધુ વિસ્તૃત બનાવવામાં યોગદાન આપશે તેવું જણાવ્યું હતું. - અભિયાન બાળકો-વિદ્યાર્થીઓને સમર્પિત  : કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. નાઝે જણાવ્યું હતું કે, આ સમગ્ર અભિયાન  બાળકો અને વિદ્યાર્થીઓને સમર્પિત છે. તેમણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવ્યું કે, શરીરના દરેક અંગના યોગ્ય કાર્ય માટે પાણી અનિવાર્ય છે. મગજની નિયંત્રણ પ્રણાલી, શરીરની ઊર્જા, રમતગમત દરમિયાન પ્રદર્શન, શરીરનાં તાપમાનનું સંતુલન, કોષોની કાર્યક્ષમતા તેમજ કિડની દ્વારા શરીરની સફાઈ જેવી અગત્યની પ્રક્રિયાઓમાં પાણીનું મહત્ત્વ અત્યંત વિશાળ છે. તેમણે વિવિધ વયજૂથનાં બાળકોને દૈનિક કેટલું પાણી પીવું જોઈએ તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. - આ અભિયાન સામૂહિક ચળવળ : ડો. શિલ્પા તોસ્નીવાલે, બાળકો અને વયસ્કોના મેટાબોલિઝમ વચ્ચેનો તફાવત સમજાવી  વોટરબેલ અભિયાન અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીધામના બ્લોક લેવલ એજ્યુકેશન ઓફિસર લાલજીભાઈ ઠક્કરે આ પહેલને એક નાનો વિચાર નહીં, પરંતુ સામૂહિક જનચળવળ ગણાવી હતી. - અગ્રણીઓની ઉપસ્થિતિ : નીલિમા ચારણે સૌને વોટરબેલ પ્રતિજ્ઞા લેવડાવી  હતી. સમગ્ર કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી  હિમાંશુ સિજુ, દિલીપભાઈ ગોહિલ, અદાણી ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડીન ડો. અજિતકુમાર ખીલાણી, એસ.આર.કે. ઈન્સ્ટિટયૂટના કેમ્પસ હેડ ડો. સુરભિ આહીર, વિવિધ પ્રતિષ્ઠિત શાળાઓના પ્રિન્સિપાલો, શિક્ષકો, ઉદ્યોગજગતના આગેવાનો, ચાઈલ્ડ હેલ્થ ફાઉન્ડેશનના સેક્રેટરી ડો. વિશાલ ગોહિલ, અનુ અગ્રવાલ, આશીની તન્ના,ઈન્નરવ્હીલ ક્લબના વર્તમાન પ્રમુખ દીપ્તિ ગરિયા, ઈનકામિંગ પ્રમુખ અર્ચના અગ્રવાલ, ગાંધીધામ ચેમ્બર વુમન્સ વિંગના કન્વીનર રાખી ન્હાટા, જાગૃતિ ઠક્કર, સુધા શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ ભૈરવી જૈન તથા મીનુ ગોયલે સંભાળી હતી. - બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવશે : ગાંધીધામ, તા. 13 : વન બેલ ટૂ સિપ્સનો સરળ મંત્ર આવનારી પેઢીને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જશે. તેવું શુભેચ્છા સંદેશમાં  ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું. ચેમ્બરના માનદ મંત્રી  મહેશ તીર્થાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલીમાં બાળકો સહિત મોટાભાગના લોકો પાણી પીવાની મૂળભૂત આદતથી દૂર થતા જાય છે. આવી સ્થિતિમાં વોટરબેલ જેવી સરળ, પરંતુ અસરકારક પહેલ બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવશે. - પાણી પીવાની આદત બાળપણથી વિકાસાવો : ગાંધીધામ, તા. 13 :  જેમ સવારે બ્રશ કરવાની આદત જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે તેમ પાણી પીવાની યોગ્ય આદત પણ બાળપણથી વિકસાવવી જરૂરી  હોવાનું ડો. પૂજા પરીખે જણાવ્યું હતું. આજના યુગમાં લોકો ઓટો મોડ પર જીવન જીવતા થઈ ગયા છે, ત્યારે સાચું શિક્ષણ માત્ર પાઠયપુસ્તકો પૂરતું મર્યાદિત ન રહી આરોગ્યપ્રદ જીવનશૈલી સુધી પહોંચવું જોઈએ. - ભાવી પેઢીને સ્વસ્થ જીવનની ભેટ મળશે : ગાંધીધામ, તા. 13 : ઈન્નરવ્હીલ ક્લબ ગાંધીધામના કો - ઓર્ડિનેટર અને પાસ્ટ પ્રેસિડેન્ટ  નીલમ મહેશ તીર્થાણીએ વોટરબેલ યોજનાની  પૃષ્ઠભૂમિ રજૂ કરતાં જણાવ્યું હતું કે, દરેક મોટું પરિવર્તન એક નાના વિચારનાં બીજથી શરૂ થાય છે. બાળકો સાથે સીધો જોડાયેલો આ પ્રોજેક્ટ, આવનારી પેઢીને સ્વસ્થ જીવનની ભેટ આપશે. ગાંધીધામથી શરૂ થયેલી આ પહેલ એક દિવસ ગાંધીનગર અને ત્યારબાદ સમગ્ર દેશમાં જાગૃતિનું વિશાળ વટવૃક્ષ બની ફેલાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  

Panchang

dd