• સોમવાર, 23 માર્ચ, 2026

જૂના સહપાઠીઓ અને બાળપણના મિત્રો સાથેના મેળાવડાથી આપસી એકતા વધે

ભુજ, તા. 22 : રાપર અને ભુજ સ્થિત મહાવીર જૈન બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. ભુજ - મુંબઈ - રાપર - અમદાવાદ - અંજાર - સુરત - ગાંધીધામ -દુબઈથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 1955માં જે બોર્ડિંગની સ્થાપના થઈ હતી તેનું શાયદ આ પ્રથમ સ્નેહમિલન હતું. જૂના મિત્રોએ એકબીજાને મળી આનંદ વ્યકત કર્યો હતો, તો કયાંક આંખોમાંથી અશ્રુઓ દ્વારા એ પ્રેમ વ્યક્ત પણ થયો હતો.  બાળપણને યાદ કરવા માટે કિસમી ચોકલેટ, ચકોતરા પીપર, મીઠા કાજુ, રૂલ, ભુંગળા, ખારીસિંગ વિગેરે ખાઈને બાળપણમાં સ્કૂલમાં ખાતા હતા તે નાસ્તાની જૂની યાદો તાજી કરાઇ હતી. દીપ પ્રાગટય મહાવીર જૈન બોર્ડિંગ અને રાઘવજી દીપચંદ ધર્મશાળાના પ્રમુખ વિનોદભાઈ ત્રિભોવન મહેતા, વી.બી.સી. મોટા સમાજના પ્રમુખ કીર્તિભાઈ કેવશલાલ સંઘવી, સમાજના ભૂતપૂર્વ પ્રમુખો ભોગીલાલ નેમચંદ મહેતા, વસંતભાઈ ધનજીભાઈ ખંડોર, પંકજભાઈ અનોપચંદ મહેતા, કાંતિભાઈ શરૂપચંદ વોરા, નાનાલાલ સેજપાલ, મહેતા સમાજની અન્ય સંસ્થાના પ્રમુખ/મંત્રી અને 70 વર્ષથી મોટી ઉંમરના આ બોર્ડિંગમાં અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.   બોર્ડિંગના સ્થાપક પ્રમુખ મગનલાલ પોપટલાલ મહેતા તેમજ તેમની ટીમ અને જગ્યાના દાતા રાઘવજી દીપચંદ પરિવારની એજ્યુકેશન પ્રત્યેની દીર્ઘદૃષ્ટી અને ઉદારતાને યાદ કરીને આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી.  સંસ્થાની શરૂઆતથી આજદિન સુધી દિવંગત થયેલ વિદ્યાર્થીઓ/ટ્રસ્ટીઓ અને સ્ટાફને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ ત્રિભોવન મહેતાએ સૌને આવકાર્યા હતા. વી.બી.સી. મોટા સમાજના પ્રમુખ કીર્તિભાઈ કેવશલાલ સંઘવીએ જણાવ્યું હતું કે, આવા પ્રોગ્રામ કરવાથી આપણી એકતા અને લાગણીઓમાં વધારો થાય છે. વી.બી.સી. સમાજ મહામંત્રી સંદીપભાઈ દોશીએ હું આ બોર્ડિંગમાં નથી ભણી શક્યો તેનો અફસોસ વ્યક્ત કર્યો હતો.  પંકજભાઈ મહેતા, ભોગીલાલ મહેતા, વસંતભાઈ ખંડોર, કાંતિભાઈ વોરા, રમણીકભાઈ મહેતા, પ્રવીણભાઈ મહેતા, રમણીકલાલ ખંડોર, મહેન્દ્રભાઈ વોરા, યોગેશભાઈ દોશી, રમેશભાઈ દોશી, રસિકભાઈ વોરા તેમજ અન્ય માજી વિદ્યાર્થીઓએ પોતાના ભાવો વ્યકત કર્યા હતા. સમગ્ર આયોજન વી.બી.સી. સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને નરેન્દ્ર વાડીલાલ શાહે કર્યું હતું. તેમની સાથે આ જ સંસ્થાના માજી વિદ્યાર્થીઓ ધનસુખ જયંતીલાલ મોરબીઆ, વિજય કાંતિલાલ મહેતા, મૌલિક રમેશભાઈ મોરબીઆ, વિશાલ મુક્તિલાલ શાહ, ચિરાગ નવીનચંદ્ર વોરા, હર્ષદ અમરશી મહેતાએ સહયોગ આપ્યો હતો. માજી ગૃહપતિ ઝવેરચંદ લક્ષ્મીચંદ દોશીને યાદ કરીને તેમની પ્રસંશા કરાઇ હતી. બપોર પહેલાના સેશનમાં તેઓનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું, જે તેમના પુત્ર ભોગીલાલ દોશી અને તેમના પરિવારજનો દ્વારા સ્વીકારાયું હતું. ગૃહપતિ નાગજીભાઈ મોરબીઆનું સન્માન તેમની પુત્રી કલ્પનાબેન ખંડોરે સ્વીકાર્યું હતું. આ ઉપરાંત કે. વી. પાઠક, નિશિધ માંકડ, રમેશભાઈ મહેતા, જ્યોતિબેન તેમજ રસોયા ઈશ્વરભાઈનું સંસ્થાના અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  કુમારી વૃષ્ટિ અનિલભાઈ મહેતાએ સંચાલન કર્યું હતું. આભારવિધિ નરેન્દ્ર વાડીલાલ શાહે કરી હતી.  

Panchang

dd