• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

કચ્છમાં વીજતંત્રની એક જ દિવસમાં 6.40 કરોડની વિક્રમી વસૂલાત

ભુજ, તા. 25 : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભુજ અને અંજાર સર્કલમાં બાકી રહેતું લેણૂં વસૂલવા પકડ ખખડાવી ડિસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરાયું હતું. પશ્ચિમ કચ્છમાં 69.65 કરોડ અને પૂર્વ કચ્છમાં 37 કરોડનું બાકી લેણું વસૂલતા હાથ ધરાયેલી ઝુંબેશ બાદ પશ્ચિમ કચ્છમાં 3.30 અને પૂર્વ કચ્છમાં 3.10 કરોડ મળી 6.40 કરોડની જંગી રિકવરી કરવામાં આવી છે. પીજીવીસએલની સત્તાવાર યાદીમાં જણાવ્યાનુસાર પૂર્વ તથા પશ્ચિમ કચ્છના કુલ 32 સબડિવિઝન ઓફિસમાંથી 350થી વધુ ટીમો મોકલી અને સ્થળ પર બાકી રહેલા વીજ બિલોનાં જોડાણો કાપવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ કાર્યવાહી આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છમાં 3.10 કરોડ તથા પશ્ચિમ કચ્છમાં 3.30 કરોડ મળી 6.40 કરોડ રૂપિયાની જંગી રિકવરી થઈ હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે બાકી વીજ બિલનાં નાણાં તાત્કાલિક સબડિવિઝન ઓફિસની કચેરી પરની બારીઓ તથા વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા તાત્કાલિક ભરી ડિસકનેક્શન તથા ત્યારબાદ કરવામાં આવતી રિકનેક્શનની કાર્યવાહી તથા રિકનેક્શન ચાર્જીસમાંથી મુક્તિ મેળવવા અપીલ કરવામાં આવી છે. વિભાગીય કચેરી નલિયા દ્વારા એચ. પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ વીજ બિલની બાકી વસૂલાત માટે મહાઝુંબેશ હાથ ધરવામાં આવી. લાઇન કર્મચારીઓની 49 ટુકડીઓએ નખત્રાણા, કોઠારા, રવાપર, દયાપર અને નલિયા વિસ્તારમાં 575 વીજ જોડાણો કાપી નાખ્યાં હતાં, જેમાં કોઠારામાં 167, નખત્રાણામાં 110, દયાપરમાં 129, નલિયામાં 115 અને રવાપરમાં 54 જોડાણોનો સમાવેશ થાય છે. આ કડક કાર્યવાહીનાં પગલે 279 ગ્રાહકોએ તાત્કાલિક 29.18 લાખ રૂપિયાના બાકી લેણાં અને 33,300 રૂપિયા પુન: જોડાણ શુલ્ક પેટે ભરી દીધા હતા. આગામી 31 માર્ચ સુધી આ ઝુંબેશ અવિરત ચાલુ રખાશે. મુંદરા તાલુકામાં પણ આજે સબ ડિવિઝન-1, સબ ડિવિઝન-2 અને મુંદરા રૂરલ દ્વારા વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પીજીવીસએલ-1માં 10 ટીમોએ કરેલી કાર્યવાહીમાં તમામ ટીમને 20 જોડાણનો ટાસ્ક હતો અને તમામ 200 જોડાણો કાપી નખાયાં હતાં. દરમ્યાન, આ ડ્રાઇવમાં રૂા. 15 લાખની વસૂલાત થઇ હતી. પીજીવીસએલ-2માં 12 ટીમોમાં દરેકને બિલ ન ભરેલા 30 જોડાણનો ટાસ્ક હતો તેમાંથી 58 જોડાણ કટ થયાં હતાં. દરમ્યાન 189 ગ્રાહકો પાસેથી 21.68 લાખની વસૂલાત થઇ હતી. જ્યારે રૂરલમાં 68 જોડાણો કપાયાં હતાં. વીજ, ઘરેલુ, વાણિજ્યિક સહિત કુલ 61 લાખની વસૂલાત થઇ હતી. ડેપ્યુટી ઇજનેરોએ જણાવ્યું હતું કે, ત્વરિત વીજબિલ ભરી દો, જેથી વીજજોડાણ કાપવામાં ન આવે. 

Panchang

dd