• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

હોલી કે દિન રંગો મેં રંગ મિલ જાતે હૈં

હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 25 : હોળી પર્વે હોલિકા દહનનું આધ્યાત્મિક મહત્ત્વ અને બીજા દિવસે ધુળેટીના રંગોત્સવનું અદકેરું મહત્ત્વ આજે પણ અકબંધ છે. સમય સાથે ઉજવણીનું સ્વરૂપ બદલાયું છે, પરંતુ તહેવારની રોનક એ જ છે. હોળીની ઊર્જા અને રંગોત્સવની મજાને માણવા હોળી સ્પેશિયલ કપડાં, એસેસરીઝ, ગુલાલ, પિચકારી, હાયડા, ખજૂર, પૂજાપા સહિતની વસ્તુઓએ બજારમાં સામ્રાજ્ય જમાવ્યું છે. ગ્રાહકો માટે રંગો અને ખુશીથી ભરપૂર હોળીનું સ્વાગત કરવા બજાર સજ્જ છે. - રંગોની વિવિધતા : બજારમાં પરંપરાગત ગુલાલ ઉપરાંત હર્બલ, ઓર્ગેનિક અને સુગંધિત રંગોની વિશેષ માંગ છે. કેમિકલયુક્ત રંગોથી ત્વચાને થતી અસર અંગે જાગૃતિ વધતાં ગ્રાહકો હર્બલ પ્રોડકટસ તરફ વળ્યા છે. પાછલા વર્ષની સરખામણીએ હર્બલ રંગોની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હોવાનું વેપારી પરેશભાઇએ જણાવ્યું હતું. ફ્રૂટ ગુલાલની માંગ મોખરે છે. સિલિકા, મિની સિલિકા, હર્બલ-ગુલાલ, કલર સ્પ્રેકલર સ્નો, 150 રૂા.થી  700 રૂા. સુધીની વેરાયટી ઉપલબ્ધ હોવાનું ઉમેર્યું હતું. ગ્રુપ પાર્ટી માટે હોલસેલમાં પાંચ કિલો અને 10 કિલો ગુલાલ પેકેજિંગ ડિમાન્ડ પણ વધી છે. ગિફટ હેમ્પર્સના વેપારી હેમનભાઇએ જણાવ્યું હતું કે, હવે સજાવટનો મહિમા વધ્યો છે ત્યારે ગ્રાહકો હોળી નિમિત્તે ગુલાલ, પિચકારી, પૂજા સામગ્રી સાથેના હેમ્પર્સની માંગ કરે છે. 500થી 1500 સુધીના હેમ્પર્સ તૈયાર કરાવ્યા હોવાનું ઉમેર્યું હતું. - પિચકારીમાં નવીનતા : ખાસ કરીને ટાંકીવાળી, પ્રેશરપંપ સિસ્ટમ, કાર્ટૂન કે સુપર હીરો થીમવાળી નાના કદથી મોટી રેન્જ સુધી વિવિધ મોડેલ ઉપલબ્ધ છે. લાઇટવાળી ગન પિચકારી તેમજ ઇલેકિટ્રક વોટર ગનમાં 500થી 2500 રૂા. સુધીમાં શ્રેણીઓ  બાળકોને આકર્ષી રહી હોવાનું વેપારી જયંતભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું. આ ઉપરાંત બાળકો માટે આકર્ષણરૂપ મેજિક ગ્લાસ, ઓટોમેટિક બલૂન, મેજિક બલૂન, કલર ડેકર સહિતની નીતનવી આઇટમો પણ ઉપલબ્ધ છે. - ભાવવધારો નહિવત્ : વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ખાસ કોઇ ભાવ વધારો નથી, પાંચ ટકા જેટલો નજીવો ભાવવધારો છે. શહેરના રસ્તાઓ પર ઠેર-ઠેર હાથલારીઓ પર, સ્ટોલ  લગાવી રંગબેરંગી રંગો તથા પિચકારીઓથી રંગોત્સવની શોભામાં અને પોતાની રોજીમાં રંગ ભરવા વેચાણાર્થે વેપારીઓએ સ્થાન જમાવેલું જોવા મળી રહ્યું છે. રંગોની સાથે બાળકો માટે પિચકારીઓની ખરીદી કરતા ગ્રાહક રૂત્વીબેન પોકારે જણાવ્યું હતું કે, આ રંગભર્યો તહેવાર વર્ષમાં એક જ વાર આવતો હોવાથી બાળકોની ખુશી માટે હોંશભેર ખરીદી કરીએ  છીએ.પરંપરાને જીવંત રાખનારો વર્ગ આજે પણ કેસૂડા તેમજ તાજાં ફૂલોથી હોળી ઉત્સવ મનાવે છે. - થીમ આધારિત ગ્રુપ ઉજવણી : બદલાતી જીવનશૈલી સાથે ડીજે, પુલ પાર્ટી, થીમ આધારિત ગ્રુપ ઉજવણીઓનું પ્ર્રમાણ વધ્યું છે. સોશિયલ મીડિયા પર ઉજવણીનાં દૃશ્યો શેર કરવામાં આવતાં હોવાથી હોળી સ્પેશિયલ વત્રોની ખરીદીનું ચલણ અમુક વર્ષોથી વધુ છે. બજારમાં નાનાં બાળકોથી માંડી યુવાનો માટે શ્વેત ટી-શર્ટ પર હેપી હોલી, હોલી સ્પેશિયલ સંદેશા લખેલા 150 રૂા.થી 550 સુધીની રેન્જમાં ટી-શર્ટ ઉપલબ્ધ છે. સાથે ગોગલ્સ, ટોપીમાં પણ રંગબેરંગી કસ્ટમાઇઝડ કરાવે છે. 

Panchang

dd