ગાંધીધામ, તા. 27 : ગાંધીધામમાં ઓસ્લો સર્કલથી
સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરફ જતા માર્ગ ઉપર કોટેશ્વર ચાર રસ્તા સુધી પાર્કિંગ વિસ્તાર
તેમજ વરસાદી નાળાં ઉપરના દુકાનધારકોને નોટિસ આપીને ત્રણ દિવસમાં દબાણો દૂર કરવા માટે
કહેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ દુકાનધારકોને પાઠવેલી નોટિસમાં જાહેર રોડને સમાંતર રસ્તા પૈકીની જમીન તથા પાર્કિંગ
એરિયા અને નાળાં ઉપર દુકાનો અને કેબિનો બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ત્રણ દિવસમાં આ અતિક્રમણ સ્વેચ્છાએ
દૂર કરવું અન્યથા મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તે માટેનો
જે ખર્ચ થશે તે નિયમ મુજબ વસૂલવામાં આવશે તેમ જણાવ્યું છે. ઓસ્લો રોડથી કોટેશ્વર ચારરસ્તા
સુધી લગભગ 245 કેબિનધારકને દબાણો દૂર કરવા
માટેની નોટિસ આપવામાં આવી છે. સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેતા આ માર્ગ ઉપર અગાઉ નગરપાલિકા
વખતે કાર્યવાહી થઈ હતી. સવારે દબાણો હટાવ્યાં હતાં અને બીજે દિવસે સવારે ફરીથી દબાણો
થઈ ગયાં હતાં. જે-તે સમયે રાજકીય હુંસાતુંસીમાં દબાણો દૂર કરવાનું કાર્ય નાટક બની ગયું હતું. ત્યારબાદ ક્યારેય પણ કાર્યવાહી
થઈ નથી. લાંબા સમય પછી મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં હાલના સમયે દબાણો
દૂર કરીને માર્ગોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે માર્ગો પર ટ્રાફિક
વધુ છે તે માર્ગો ઉપરથી દબાણો દૂર કરીને તે માર્ગને તેના મૂળ સ્વરૂપમાં લઈ આવવામાં
આવી રહ્યા છે. ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચારરસ્તા સુધી 245થી વધુ દબાણકારોને નોટિસ આપવામાં
આવી છે. આગામી સમયમાં અહીંના માર્ગનો વિકાસ કરવાનો છે તે માટે કાર્યવાહી થઈ રહી હોવાનું
તંત્ર કહી રહ્યું છે.