મુંદરા, તા. 25 : ખાવડા અને આજુબાજુનાં
ગામડાંના લોકોને સારી તબીબી સારવાર મળી રહે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા
સીએચસી ખાતે અદાણી આરોગ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. આ હેલ્થના પ્રકલ્પ અંતર્ગત
ખાવડા સીએચસી ખાતે દર અઠવાડિયે મંગળવાર અને શુક્રવારના ભુજથી ખાસ નિષ્ણાત ડોક્ટરો દ્વારા
સેવા પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં
સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, નેત્ર
ચિકિત્સક, ફિઝિશિયન અને ઓર્થોપેડિક તજજ્ઞ તથા જનરલ ફિઝિશિયન જેવા
નિષ્ણાતોની સેવાનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીન એનર્જી લિ. ની સી.એસ.આર. પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન કચ્છના દૂરના
સીમાડે આવેલા ખાવડા વિસ્તારના લોકોનાં સ્વાસ્થ્ય માટે ચિંતા કરી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશનની
પહેલના કારણે અહીંના લોકોને નિ:શુલ્ક સારવાર અને દવાઓની સેવા અહીં જ મળી રહે છે,
જેના કારણે તેઓને ખાવડાથી ભુજ સુધી લાંબે જવાનો સમય, શ્રમ અને આર્થિક વ્યયનો બચાવ થાય છે, સાથે-સાથે લોકોને
તેમના જ વિસ્તારમાં નિષ્ણાત અને અનુભવી ડોક્ટરોની સેવાનો લાભ મળી જાય છે. અહીં તેઓને
નાની સર્જરી જેવી સારવાર આ નિષ્ણાતો દ્વારા કરી આપવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના આ પ્રકલ્પ હેઠળ દર વર્ષે 11 હજારથી વધુ દર્દીને આ સેવાનો
લાભ મળે છે, સાથે-સાથે અંતરિયાળ વિસ્તારના
ગામડાંઓના લોકો માટે ગામડે-ગામડે હેલ્થનું આયોજન કરીને સ્વાસ્થ્યની સેવા આપવામાં આવે
છે, આ સેવાનાં ભગીરથ કાર્યમાં સીએચસીના તબીબી અધિકારી શ્રી વર્માનો
તથા તમામ સ્ટાફનો પણ સિંહ ફાળો રહેલો છે.