• ગુરુવાર, 13 માર્ચ, 2025

યુવાનો કચ્છી ભાષામાં સર્જન કરે તે સારા સંકેત

ભુજ, તા. 12 : જોરાવરસિંહ કેશરસિંહ રાઠોડ પરિવાર આયોજિત યુવા સર્જક વિષ્ણુ ગોર `િવશ્વાસ'ના પ્રથમ વાર્તાસંગ્રહ `છાભાસ'ના વિમોચન પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જોરાવરાસિંહ રાઠોડે કચ્છી ભાષાના મહિમાગાન સાથે જણાવ્યું હતું કે, કચ્છી ભાષાનું સાહિત્ય ઝરણું ભુજિયા ડુંગરથી વહેતું વહેતું સમગ્ર વિશ્વમાં મીઠાશ અને કચ્છીયતની સુગંધ વહેતી કરી રહ્યું છે. અતિથિ વિશેષપદેથી કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કાન્તિભાઈ ગોરે ઉદ્બોધનમાં કહ્યું હતું કે, કચ્છી ભાષામાં ગદ્ય લખવું કે વાંચવું સરળ નથી. તેમાં આજના યુવાનો કચ્છી ભાષામાં સરળતાથી સર્જન કરે તે આવનારા સમયના સારા સંકેત છે. આજના યુવા સર્જક વિષ્ણુ ગોર ફક્ત પચ્ચીસ વર્ષના છતાંય તેઓની કલમમાં પુખ્તતાના દર્શન થાય છે. કચ્છ યુનિવર્સિટીના ડીન કાશ્મીરાબેન મહેતાએ કલાત્મક રીતે `છાભાસ' પુસ્તકના આયોજન અને લેખનને બિરદાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે, કચ્છી ભાષાનું સર્જન આજે અનુવાદકોની કેડીએ પોખાય છે તે આનંદની વાત છે. જયેશભાઇ રાવલે પોતાના પ્રવચનમાં કહ્યું કે, કચ્છી ભાષાની નિરંતર સેવા આકાશવાણી-ભુજ 1965થી કરી રહ્યું છે. સાથે કચ્છી સુગમ સંગીતથી નાટકો અને હરિકથા જેવા સાહિત્ય તત્ત્વોને ઉજાગર કરી રહ્યું છે. પુસ્તકનો આસ્વાદ ડો. રમેશ ભટ્ટએ કરાવ્યો હતો. જ્યારે પૂજાબેન જોશી અને સિરાજભાઈ નોડેએ `છાભાસ' વાર્તાસંગ્રહમાંથી એક-એક વાર્તાનું વાચકમ્ કર્યું હતું. `છાભાસ'ના સર્જક વિષ્ણુ ગોર `િવશ્વાસ'એ પોતાના પ્રતિભાવમાં પુસ્તક પ્રકાશનના દાતા જોરાવરાસિંહ રાઠોડ પરિવાર અને સહયોગી સાહિત્યકારોનો આભાર માન્યો હતો. આવકાર સપ્તરંગના અધ્યક્ષ ઝવેરીલાલ સોનેજીએ જ્યારે આભારવિધિ ગૌતમ જોશીએ કરી હતી. જયપ્રકાશ ગોર, અજિતભાઈ માનસત્તા, પબુ ગઢવી, મદનકુમાર અંજારિયા, રસિકભાઈ મકવાણા, દમયંતીબેન બારોટ, ડો. મધુકાંત આચાર્ય, નૈષદ મહેતા, બિનાબેન ભાનુશાલી, પૂજાબેન અયાચી, બિહારીલાલ અજાણી અને લેખકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. સંચાલન ભારતીબેન ગોરે કર્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd