અંજાર, તા. 21 : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામની સુધરાઈને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં
આવ્યો હતો, જેને લઈને અંજાર સાથે અન્યાય
થયો હોવાના આક્ષેપમાં વિરોધનો સૂર ઊઠયો હતો. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા અંજારની નગરપાલિકાને અપગ્રેડ કરીને અ-વર્ગનો દરજ્જો આપવામાં
આવ્યો છે, જેને કારણે શહેરને વિકાસનાં કામો માટે ગ્રાન્ટ વધવા
સહિતના ફાયદા થશે, તેવો આશાવાદ નાગરિકોનાં મનમાં ઊભો થયો છે.
રાજ્ય સરકારના બજેટસત્રમાં 69 નગરપાલિકાને અપગ્રેડ કરવાની
વાત કરવામાં આવી હતી, જેમાં બ-વર્ગની
અંજાર નગરપાલિકાને અ-વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે, પાલિકાના
પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા,
શાસકપક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામી,
દંડક કલ્પનાબેન ગોર દ્વારા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની આગેવાની તળે મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અંજાર સુધરાઈને અપગ્રેડ
કરવા ભારપૂર્વક રજૂઆત કરાઈ છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય લેવાયો
હતો. ધારાસભ્યના પરિણામલક્ષી પ્રયત્ન થકી શહેરને વિકાસની નવી ગતિ મળશે. લોકોની સુખાકારી
અને સુવિધામાં વધારો થશે. અ - વર્ગની સુધરાઈ
અપાવવામાં સહકાર બદલ શ્રી કોડરાણીએ મુખ્યમંત્રી અને ધારાસભ્ય, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતાનાનો
આભાર વ્યક્ત કર્યો હતો. પૂર્વ પ્રમુખ વસંતભાઈ કોડરાણીએ ધારાસભ્યની કામગીરીની સરાહના
કરી હતી. શહેર ભાજપ પ્રમુખ ડેની શાહે જણાવ્યું હતું કે, અ - વર્ગની
નગરપાલિકા વિશેષ સિદ્ધિ સમાન છે, જેના કારણે શહેરને સારો એવો
લાભ થશે. પાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. માહિતગારોએ જણાવ્યું
હતું કે, સુધરાઈના દરજ્જામાં ફેરફાર સાથે 25થી 33 ટકા સરકારી ગ્રાન્ટોમાં વધારો થશે, જેને કારણે નાગરિકોની સુખાકારી સંલગ્ન વિકાસકામોને વેગ મળશે.
મહેકમમાં ફેરફાર થશે. ફૂડ ઈન્સ્પેક્ટર સહિતની નવી જગ્યાઓ ઊભી થશે. અગ્નિશમનનું માળખું
વધુ મજબૂત બનશે. નવા વિસ્તારના સમાવેશ સાથે
આગામી ચૂંટણીમાં બેઠકો પણ વધી શકે છે.
વિકાસનાં કામો સાથોસાથ કરવેરા પણ વધવાની શક્યતા
જાણકારોએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત થોડાં વર્ષ પહેલાં બનેલી મુંદરા-બારોઈ અને ભચાઉ
સુધરાઈને બ-વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નખત્રાણા નગરપાલિકાને ક-વર્ગમાં
તબદીલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છની ચાર નગરપાલિકાના દરજ્જામાં ફેરફાર સાથે અપગ્રેડ કરવામાં આવી છે, જેના
કારણે સુધરાઈમાં માતબર રકમની ગ્રાન્ટ આવવા સાથે વહીવટી માળખું મજબૂત બનશે.