ભુજ, તા. 25 : સામાજિક ક્ષેત્રે અનેરી પહેલ
સાથે કેડી કંડારી તેને વટવૃક્ષ બનાવનારા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના 39મા સમૂહલગ્નનો આજથી ગાંધીધામ ખાતે પ્રારંભ
કરાયો હતો. આ આયોજનને શુભેચ્છા અને નવદંપતિઓને આશીર્વાદ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ
મોદીએ તેમના સંદેશામાં આ પ્રકારનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં પ્રશંસનીય પહેલ
ગણાવી તેને સમાજને એકમેકથી નિકટ લાવનારું બતાવ્યું હતું. ગાંધીધામ ખાતે ડો. બાબાસાહેબ
આંબેડકર ભવન ખાતે ઊભા કરાયેલા જલારામ નગરમાં આજે સાંજે 39મા સમૂહલગ્નના બે દિવસીય કાર્યક્રમોનો અગ્રણીઓ
અને કચ્છ-બૃહદ કચ્છમાંથી આવેલા જ્ઞાતિજનોની હાજરીમાં પ્રારંભ કરાયો હતો. ગ્રુપની મહિલા
પાંખના હોદ્દેદારો સાથે ગ્રુપ અને જ્ઞાતિના આગેવાનો દીપ પ્રાગટયમાં જોડાયા હતા. ગ્રુપના
આ આયોજનની સરાહની કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમૂહલગ્નને તેમના સંદેશામાં
પ્રશંસનીય પહેલ ગણાવી આવા આયોજનથી સમાજ એકમેકની વધુ નિકટ આવતો હોવાનું કહ્યું હતું.
તો આવા અવસરો સૌ સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
ગ્રુપના સ્થાપક પ્રમુખ જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા) અને વર્તમાન જિલ્લા પ્રમુખ
જ્યેશ જમનાદાસ સચદે (બાપા દયાળુ)એ જણાવ્યું હતું કે,
સમૂહલગ્ન ઉજવણી સાથે જીવદયા અને માનવસેવાનાં વિવિધ કાર્યો દર વખતની જેમ
આ વખતે પણ જારી રખાયા છે. આજે પ્રથમ દિવસે મોડીસાંજે કલાકાર નિલેશ ગઢવી અને મુંબઇના
અર્ચના મહાજનના સથવારે સંગીત સંધ્યા યોજાઇ હતી. આવતીકાલે રવિવારે સંતો-મહંતો-રાજકીય-સામાજિક
આગેવાનો ઉપરાંત જ્ઞાતિજનોની હાજરીમાં લગ્નની વિવિધ વિધિ યોજાશે. દાતાઓના સહયોગથી પ્રત્યેક
કન્યાને અઢી લાખથી વધુનો કરિયાવર આપવામાં આવશે. આજે દીપ પ્રાગટયમાં મહિલા હોદ્દેદારો,
ગ્રુપના જિલ્લા મહામંત્રી સુકેતુ રૂપારેલી અને ધીરજ તન્ના, ગ્રુપના ગાંધીધામના પ્રમુખ અતુલ મજેઠિયા, આદિપુર લોહાણા
મહાજનના પ્રમુખ અશોક કારિયા, યુવા પાંખના પ્રમુખ દર્શિત રાજદે
વગેરે જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત નિત્યાનંદ ધ્યાન મંદિર ગણેશપુરી સંઘડના ભાગવતાચાર્ય
ચંદ્રકાંત સૂર્યપ્રસાદ શુક્લનું અગ્રણીઓએ અભિવાદન કર્યું હતું. દરમ્યાન, જીવદયા અને સેવાકાર્ય અંતર્ગત જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ પક્ષીઓ માટે જુવારના
બાચકા મોકલાયા હતા તો ગઢશીશા અંબેધામના ચંદુમા દ્વારા ભુજ તાલુકાના કેરા અને અન્ય સ્થળોએ
ગૌવંશને નિરણ અપાયું હતું. જ્યારે મૂળ ડુમરાના હાલે ભુજ સ્વ.જેઠાલાલ ઉકેડા મામોટિયા
પરિવાર વતી લીલાવંતીબેન અને પરિવારના સભ્યો દ્વારા જરૂરતમંદ પરિવારો માટે રાશનકીટનું
વિતરણ કરાયું હતું.