ગાંધીધામ, તા. 25 : યુવાનોમાં દેશભક્તિ અને એકતાની
ભાવના ખીલવવા માટે 6 ગુજરાત નેવલ
યુનિટ એનસીસી ગાંધીધામ દ્વારા પ્રજાસત્તાક પર્વ અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. જેમાં
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મેહુલ
દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમને કમાન્ડિંગ ઓફિસર અભિજિત અભ્યંકર અને યુનિટના એક્ઝિક્યુટિવ
ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર ભૂમિત ગઢવી દ્વારા માહિતી અપાઈ હતી. નાયબ કમિશનર દ્વારા રેલીનું
પ્રસ્થાન કરાવાયું હતું. રેલીમાં એનસીસી સાથે સંકળાયેલી પૂર્વ કચ્છની વિવિધ સંસ્થાઓનું
પ્રતિનિધિત્વ કરતા 250 કેડેટ્સ, 15 નૌસૈનિકો
અને યુનિટના 10 સિવિલ સ્ટાફ સભ્યએ ભાગ લીધો
હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉજવણીમાં ભારતીય નાગરિકોની એકતા પર પ્રકાશ પાડવામાં
આવ્યો હતો. રેલીનાં સંચાલનમાં આદિપુર પોલીસનો સહયોગ સાંપડ્યો હતો. આ વેળાએ 6 ગુજરાત નેવલ યુનિટ એનસીસી ગાંધીધામ યુવાનોમાં
સેવા અને સમર્પણનાં મૂલ્યોને પોષવા માટે પ્રતિબદ્ધ હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો.