મનસુખ ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 25 : કચ્છનાં પ્રવેશદ્વાર સામખિયાળી
પછીનું અને પશ્ચિમ કચ્છ તરફ જવા માટેનું મુખ્ય પ્રવેશદ્વાર ભચાઉ વર્ષ 2001ના ભૂકંપમાં ભાંગી ગયું હતું.
ભૂકંપ બાદ ત્રણ દાયકાને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલાં નગર નિયોજનથી કચ્છનાં આ નાનાં
નગરનું હાલ શહેરીકરણ થયું છે. ભચાઉની આ શહેરીકરણની
દોડને વધુ મક્કમ બનાવવા માટે અનેક કાર્યોની જરૂરિયાત છે. જો આ તમામ કાર્યો હાથ ધરાય, તો
નગરની શહેરીકરણની ગતિ વધુ વેગવંતી બનશે. ભૂકંપ બાદ ચારેય દિશામાં વિસ્તરેલાં શહેરનું
નિયોજન થયું ત્યારે રિંગ રોડ મુખ્ય તેમજ આંતરિક મજબૂત માર્ગો, ગટર યોજના, વૃક્ષારોપણ, છ માર્ગીય
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નિર્માણ પામેલા ઓવરબ્રિજ સહિતનાં આયોજનથી નગરે શહેરીકરણ તરફ
ડગ માંડ્યા. ભચાઉ રેલવે સ્ટેશન અને આસપાસનો વિસ્તાર, નવા ભચાઉથી
નવાગામ, મોડેલ સ્કૂલથી રેલવે સ્ટેશન સુધી, પ્રાંત કચેરી પાછળ તેમજ
પોલીસ સ્ટેશન પાછળ વિકસેલા સોસાયટી વિસ્તારમાં શહેરનો વ્યાપ વધ્યો છે. સી.સી.ટી.વી.
કેમેરા ઉપરાંત આખાં શહેરમાં લાઉડ સ્પીકર લગાડવામાં
આવ્યાં છે, જેથી નગરપાલિકામાંથી જે કાંઈ પણ જાહેરાત થાય તે આખું શહેર સાંભળી શકે છે. ભચાઉને આધુનિક રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ હાલ ચાલી રહ્યું છે. હજુ શહેરની શહેરીકરણની
ગતિને આગળ વધારવા શું જરૂરિયાત છે, તે અંગે શહેરીજનો સાથે ચર્ચા
કરી. અગ્રણી કુલદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેર ભૂકંપ
બાદ જે રીતે વિસ્તર્યું છે તે જોતાં આગામી
સમયમાં નગરપાલિકાને અપગ્રેડ કરવાની
વાત ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત અદ્યતન રમતગમત
સંકુલ બનાવાય તેવું જણાવ્યું હતું. શહેરના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને બીજી ડી.પી. સ્કીમ મંજૂર કરાય તે જરૂરી હોવાનું કહેતાં ઉમેર્યું હતું કે, નવો ડેવલપમેન્ટ પ્લાન
બનાવવામાં આવે તો નવા ભચાઉ વિસ્તારનો સુનિયોજિત રીતે વિકાસ થઈ શકે અને
શહેરના વિકાસનો એક નવો અધ્યાય શરૂ થઈ શકશે. વિકાસ રાજગોરે ભૂકંપ બાદ 20 વર્ષનાં આયોજનને ધ્યાનમાં રાખીને
આયોજન કરાયું ત્યારે હવે આગળનાં 30 વર્ષનાં ભવિષ્યને
ધ્યાનમાં રાખીને આયોજન કરાય તેવો મત વ્યક્ત કર્યો હતો. શહેરની ગીચતા વધી ગઈ છે ત્યારે
નવી માર્કેટ,
શાપિંગ કોમ્પ્લેક્ષ બનાવાય તે સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું
હતું. ભૂકંપ બાદ મુખ્ય અને આંતરિક મજબૂત રસ્તાઓ
બન્યા, પાંચ રિંગ રોડ, મીઠાં પાણીના બોર
અને નર્મદા કેનાલનાં કારણે સુચારુ પાણી વિતરણ વ્યવસ્થા છે. ભચાઉ શહેર કેન્દ્રમાં છે.
આસપાસ મહાકાય ઉદ્યોગો હોવાનાં કારણે રોજગારી
માટે આવતા લોકોની સંખ્યા પણ ઘણી છે અને આગળ જતાં શહેરની વસ્તી પણ વધશે, ત્યારે ભાવિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીવાનાં પાણીના સંગ્રહ માટે તળાવ
અથવા પાણીના ટાંકાનું નિર્માણ કરાય તે જરૂરી
હોવાનું શહેરના અગ્રણી નાગરિકો વ્યકત કરી રહ્યા છે. આજે જ્યાં ક્યારેય પાણી
સમસ્યા નથી સર્જાતી તે ભચાઉમાં પીવાનાં પાણીનું સંકટ ઊભું થશે તેવું જાણકારો જણાવી
રહ્યા છે. શહેરમાંથી પસાર થતા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ ઉપર ભારે વાહનો પસાર થાય છે. કંડલા અને મુંદરા બંદરના ભારે
વાહનો 24 કલાક પસાર થાય છે, ત્યારે આ માર્ગો ઉપર ગંભીર અકસ્માતો સમયાંતરે
સર્જાય છે. લાંબા અરસા પૂર્વે રાજ્ય સરકાર દ્વારા ટ્રોમા સેન્ટર શરૂ નથી થઈ શક્યું.
ત્યારે આરોગ્ય ક્ષેત્રે આ સુવિધા શરૂ કરાય તો અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસરની
સારવાર મળી શકશે. ભચાઉ-ભુજ રોડ ઉપરથી પશ્ચિમ કચ્છ તરફ જતાં તમામ વાહનો તેમજ આસપાસના
એકમોના ભારે વાહનો આ શહેર વચ્ચેથી પસાર થઈને જાય છે, ત્યારે આ
માર્ગ ઉપર દબાણ સહિતની સમસ્યાના કારણે તેમજ પુલ બન્યો પણ સર્વિસ રોડ ન બન્યો તે સમસ્યાના
કારણે ટ્રાફિક નિયંત્રણની કામગીરી પણ કરવામાં આવે તે પણ સમયની જરૂરિયાત છે. આ ખૂટતી
કડીઓ અંગે ત્વરિત કાર્યવાહી કરાય તો ભચાઉ વધુ
આગળ વધશે તે ચોક્કસ હોવાનું જાણકારો જણાવી
રહ્યા છે.