• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

દુલેરાય કારાણી પારિતોષિક ગૌતમ જોશીને જાહેર

ભુજ, તા. 25 : દર વર્ષની જેમ આ વર્ષે તા. 26 ફેબ્રુઆરી 2025 બુધવારના વિશ્વ કચ્છી ભાષા દિવસના કચ્છ શક્તિના હેમરાજ શાહ પ્રેરિત અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ-કચ્છમિત્રના સહયોગથી સ્વ. દુલેરાય કારાણી પારિતોષિક કારાણીજીની જન્મજયંતીના દિને સાંજે ચાર વાગ્યે કચ્છમિત્ર કાર્યાલયના હોલમાં ભુજ ખાતે ગૌતમ જોશીને એનાયત કરવાનું પસંદગી સમિતિએ જાહેર કર્યું છે. આ સન્માન વર્ષ 2022માં જયંતી જોશી `શબાબ', વર્ષ 2023માં મદનકુમાર અંજારિયા `ખ્વાબ', વર્ષ 2024માં પદ્મશ્રી નારાયણ જોષી `કારાયલ'ને એનાયત થયા બાદ હવે વર્ષ 2025માં ગૌતમ શાંતિલાલ જોશીને અર્પણ કરાશે. આ પુરસ્કારમાં રૂા. 31 હજારનો ચેક એનાયત થશે. સાડા ચાર દાયકાથીયે વધુ જૂની સંસ્થા કચ્છ શક્તિના હેમરાજ શાહે કચ્છની ભાતીગળ સંસ્કૃતિને વિશ્વ સ્તરે પહોંચાડનારા લોકસાહિત્યના સંશોધક, કવિ અને કાવ્ય સંપદા, કચ્છી નાટકો, કાફીઓ, પીરોલી, ભજનો, છંદ, કહેવતો, લોકકથાઓ વગેરેના 78 ગ્રંથ આપનારા દુલેરાય કારાણીના જન્મદિવસ 26 ફેબ્રુઆરીએ વિશ્વ કચ્છી ભાષા દિવસ ઊજવાય છે. સ્વ. દુલેરાય કારાણી પારિતોષિક સમિતિમાં કચ્છ શક્તિના હેમરાજ શાહ, કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ અને વિવેકગ્રામના ગોરધન પટેલ `કવિ'એ કામગીરી સંભાળી હતી. કચ્છી સંસ્થાઓ, મહાજનો વિશ્વમાં જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે તે માભોમને યાદ કરીને વિશ્વ કચ્છી ભાષા દિવસ ઊજવે એમ પણ વધુમાં જણાવાયું છે. કચ્છી સાહિત્યમાં 1979/80થી ગદ્ય સાહિત્યમાં સાતત્યપૂર્ણ સર્જન કરનાર ગૌતમ જોશીએ અત્યાર સુધીમાં 36 જેટલા કચ્છી અને છ જેટલા ગુજરાતી પુસ્તક પ્રકાશિત કર્યાં છે. નોંધનીય છે કે, કચ્છી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, કચ્છ શક્તિનો કચ્છરત્ન પુરસ્કાર, નર્મદ ચંદ્રક, કલાતીર્થ સંસ્કૃતિ સંવર્ધક સન્માન અને અન્ય 14 જેટલા પુરસ્કાર ગૌતમભાઇને મળ્યા છે. `કચ્છમિત્ર'ની મલ્ટિપ્લેક્સ પૂર્તિમાં કચ્છની રંગભૂમિ અને પરાગ પૂર્તિમાં `પાંજી આખાણી' કોલમ લોકભોગ્ય બની છે. તેમણે કચ્છી અકાદમીમાં પરામર્શક તરીકે પણ સેવા આપી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd