ભુજ, તા. 25 : 26મી જાન્યુઆરીના રાષ્ટ્રપતિ
મેડલ માટે પ્રશંસનીય સેવા બદલ નવ પોલીસ ચંદ્રક જાહેર થયા છે જેમાં કચ્છ સરહદ રેન્જના
આઇ.જી. ચિરાગ કોરડિયાની પસંદગી થઇ હોવાનું જાહેર થતાં કચ્છ પોલીસ બેડાંમાં આનંદની લાગણી
પ્રસરી છે. મૂળ અમદાવાદના અને વર્ષ 2006ની બેચના આઇપીએસ અધિકારી એવા ચિરાગ કોરડિયા નવેક માસ પૂર્વે
કચ્છ સરહદ રેન્જના આઇ.જી. તરીકેનો પદભાર સંભાળ્યો હતો. કચ્છીઓ માટે ચિરાગ કોરડિયા નવા
નથી, પોલીસની દ્રષ્ટિએ પૂર્વ અને પશ્ચિમ કચ્છ જુદા
થયા બાદ પૂર્વ કચ્છમાં પ્રથમ પોલીસવડા તરીકે ચિરાગ કોરડિયા આવ્યા હતા. ત્યારે તેમના
કાર્યકાળમાં એસ.ઓ.જી., એલ.સી.બી.એ ડુપ્લીકેટ ચલણી નોટ,
કેફી દ્રવ્યોના અનેક સફળ કેસ કર્યા હતા. વર્તમાન સમયની વાત કરીએ તો મહાદેવ
બેટના પર્દાફાશ બાદ ચાવીરૂપ આરોપીઓને ઝડપી પાટણમાંથી આ કૌભાંડ અને શરાબની બદીને નાબૂદ
કરવા ઉપરાંત બાવન કરોડના વ્યવહારો સામે આવ્યા હતા. આ ઉપરાંત ડ્રગ્સ અને શરાબની બદીને
નાબૂદ કરવા તેમના તાબાના અધિકારીઓને માર્ગદર્શન આપી સફળ દરોડા પડાયાની કાર્યવાહી થઇ
રહી છે. આવતીકાલે 76મા પ્રજાસત્તાક
દિનના દિવસે દિલ્હીમાં પરેડનું આયોજન થશે. જેમાં ગુજરાત પોલીસના 11 પોલીસ કર્મચારીઓને અલગ-અલગ
મેડલ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવશે. શ્રી કોરડિયાની આ મેડલ બદલ પસંદગી થતાં
કચ્છના પોલીસ બેડાંમાં ખુશીનો માહોલ છવાયો છે અને શ્રી કોરડિયાને ઠેરઠેરથી અભિનંદન
મળી રહ્યા છે.