રાયધણપર (તા. ભુજ), તા. 24 : પ્રસિદ્ધ
દ્વારકાધીશ જગત મંદિર ખાતે પ્રવેશદ્વારે હવે કચ્છી આહીર ભરતકામ જડીત તોરણ ઝૂલશે ! કચ્છના
રાયધણપર ગામના આહીર પરિવાર દ્વારા પોતાની ભાવનાથી આહીર ભરતકામથી શોભતા બે તોરણ તૈયાર
કરી દ્વારકા ખાતે દ્વારકાધીશના જગત મંદિરને અર્પણ કરતા હવે આ તોરણ મંદિરના પ્રવેશદ્વારની
શોભા વધારશે. પ્રવેશદ્વારે જ કચ્છીયત જોવા મળશે. આમ તો દ્વારકાધીશના પ્રસિદ્ધ મંદિર
ઉપર દિવસમાં ત્રણ વખત બાવન ગજની ધજા ચડતી હોય છે અને આ ધજા ચડાવવા માટે ભાવિકોને પોતાને
લાભ લેવા વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે. કચ્છના ઘણા બધા આહીર પરિવારોને દ્વારકાધીશ
મંદિરે બાવન ગજની ધજા ચડાવવાનો લાભ મળી ચૂકયો છે,
પરંતુ રાયધણપર ગામના રણધીરભાઇ તેજાભાઇ બરાડીયાના પરિવારને દ્વારકાના
આ જગત મંદિર માટે આહીર ભરતકામ સાથેનું તોરણ અર્પણ કરવાની ભાવના હતી. આ માટેની વિગતો
આપતા રણધીરભાઇ બરાડીયાએ જણાવ્યું કે દ્વારકાના
મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર માટે અને દ્વારકાધીશના નિજ મંદિર માટે એમ કુલ્લ બે તોરણ
તૈયાર કરવામાં આવ્યા હતા. જે બન્ને તોરણ દ્વારકા મંદિરને અર્પણ કરવામાં આવ્યા છે. મોટું
તોરણ 7 ફૂટની લંબાઈ ધરાવે છે. જ્યારે નિજ મંદિર
માટેનું નાનું તોરણ 4 ફૂટની લંબાઇ
ધરાવે છે. પોતાની આંગળીના ટેરવે આ બન્ને તોરણનું ભરતકામ કરનાર રાજીબેન રણધીરભાઇ બરાડીયાએ
જણાવ્યું કે દ્વારકાધીશ મંદિર માટેના આ બન્ને તોરણને રંગબેરંગી દોરાથી ભરતકામ જડીત
કરવામાં તેમને પુરા બે મહિના જેટલો સમય લાગ્યો હતો. ભરતકામ કરતી વખતે તેઓ હંમેશા દ્વારકાધીશનો
જાપ પણ કરતાં,જેથી તોરણના ભરતકામમાં દોરાના રંગની સાથે તેમની શ્રદ્ધાનો રંગ પણ જડાયો છે. કચ્છી આહીર
ભરતકામ જડીત આ તોરણની દ્વારકાધીશ મંદિરે અર્પણવિધિ વખતે હાજર રહેલા પધ્ધર વિભાગ આહીર
સમાજના પૂર્વમંત્રી બાબુભાઇ આહીર અને રાયધણપરના માદાભાઇ આહીરે પણ રાજીપો વ્યક્ત કરતા
દ્વારકા ખાતેથી જણાવ્યું કે દ્વારકાધીશ મંદિરે તોરણ અર્પણ થયું હોય તેવો કચ્છના આહીર
પરિવારનો આ પ્રથમ પ્રસંગ છે.