ભુજ, તા. 24 : શુદ્ધતા વધે છે તેમ સિદ્ધતા
નજીક આવે છે. મનુષ્યે પોતાના વિચારોને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઇએ તેવું તેરા પંથ
સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણજીએ અંજાર ખાતે આગમન કર્યા બાદ ઉપસ્થિત શ્રાવકોને ધર્મબોધ
આપતાં આ મુજબ જણાવ્યું હતું. જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય, યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજી અજાપર ગામથી તેમના
આગામી સ્થળ તરફ વિહારમાન થયા હતા અને અંજાર પહોંચ્યા હતા. આચાર્યશ્રીના આગમનથી તેરાપંથ
સમાજ સાથે અન્ય જૈન અને જૈનેત્તર સમાજમાં પણ આનંદનો ભાવ જોવા મળ્યો હતો. જ્યારે આચાર્યશ્રી
અંજાર ગામમાં પ્રવેશ્યા, ત્યારે શ્રદ્ધાળુઓએ ભાવભર્યું સ્વાગત
કર્યું હતું. આચાર્યશ્રીના સ્વાગત માટે મહિલાઓ
અને કન્યાઓએ કળશ ધારણ કર્યા હતા. જયઘોષના ગુંજારવ વચ્ચે, આચાર્યશ્રી
11 કિલોમીટરના વિહાર પછી અંજારના
નવનિર્મિત તેરાપંથ ભવનમાં પહોંચ્યા હતા. શ્રીમદ્ આચાર્યશ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને
તેમની અમૃતવાણીથી પ્રેરણા આપતાં કહ્યું કે, મનુષ્યની અંદર એક ભાવધારા હોય છે. ક્યારેક સારા વિચારો મનમાં આવે છે તો ક્યારેક
ખરાબ વિચારો પણ સર્જાય છે. આ બધું મોહનીય કર્મના પ્રભાવથી બને છે, જે અત્યંત ઊંડું તંત્ર છે. જ્યારે મોહનીય કર્મનો ઉદય પ્રબળ થાય છે,
ત્યારે મનુષ્ય રાગ કે દ્વેષમાં ફસાઈ જાય છે. પરંતુ જ્યારે મોહનીય કર્મનો
નાશ અથવા ક્ષયોપશમ થાય છે, ત્યારે મનમાં સમતા, મૈત્રી અને આનંદભાવ જેવા શ્રેષ્ઠ ગુણ ઊભરતા હોય છે. મનુષ્યના ત્રણ પ્રકારના
મન હોય છે : અશુભ મન, શુભ મન (જેમને સુમન પણ કહેવાય છે) અને અમન.
`અમન'
એ એવી સ્થિતિ છે જ્યાં કોઈ વિચાર રહેતો નથી, માત્ર
નિર્વિચારતામાં પ્રવેશ થાય છે. આ સ્થિતિ ધ્યાનની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. ગૃહસ્થ
માટે, પરિવારની જવાબદારીઓ સાથે પોતાને આંતરિક શાંતિ તરફ જવાનો
પ્રયાસ કરવો જોઈએ. સાધુ માટે સંબંધાતીત જીવન છે, પરંતુ સામાન્ય
વ્યક્તિને શ્રેષ્ઠ જીવન માટે આ બંન્ને સ્થિતિઓ વચ્ચે સંતુલન સાધવું જોઈએ. આ પ્રસંગે
આચાર્યશ્રીએ સાધ્વી મંગલયશાજી સહિત અન્ય સાધ્વીશ્રીઓને મંગલ આશીર્વાદ આપ્યા હતા. સાધ્વી
પ્રમુખાશ્રીજીએ શ્રદ્ધાળુઓને પ્રેરણાત્મક શીખ આપી હતી. અંજારના ચંદ્રકાન્તભાઈ સંઘવી
તથા જૈન સંઘના અન્ય આગેવાનો અને વિશેષજનોએ પણ તેમના ભાવ વ્યક્ત કર્યા હતા. અંજાર વિસ્તારના
ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ આચાર્યશ્રી મહાશ્રમણજીના દર્શન સાથે પોતાના મતવિસ્તારમાં આવકાર આપ્યો હતો. આચાર્યશ્રી અને સાથે લગભગ એકસોની
આસપાસ ની સંખ્યામાં પદવિહાર કરતા સાધુ સાધ્વી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ
વ્યવસ્થા સમિતિના કન્વીનર કીર્તિભાઈ સંઘવી,
ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવકપરિષદ,
મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે રસ્તાની સેવા અને વ્યવસ્થા
સંભાળી રહ્યા છે તેવું એક યાદીમાં પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું
હતું.