રાપર, તા. 21 : રાપરથી આઠ કિલોમીટર દૂર પ્રાચીન જૂનું મળદિયા
મામા દેવનું પીલુડીના પ્રાચીન ઝાડની ઓથે આસ્થાનું ધામ બાદરગઢથી લીલપર ગામમાં જતા ત્રિભેટે
આવે છે. આ સ્થાન પાસે અગાઉ અનેક જીવલેણ અકસ્માત થયા હતા. કોઇકને સૂઝ્યું કે અહીં ધૂપ-દીપ
કરી સ્થાનને સાફસૂફ કરીએ, ધૂપ -દીપ થવા લાગ્યા. રાપરના યુવાનોની એક ટીમે ભાવથી વિવિધ
સેવા શરૂ કરી. પક્ષીઓ માટે ચણ, પીવાનાં પાણીના
કૂંડા તેમજ અબોલ પશુઓ માટે અવાડો બનાવ્યો. કેટલાય વર્ષોથી ભૂતાવળ જેવી લાગતી ભોમકાને
નવપલ્લવિત કરવા ઉત્તમ પ્રકારના વૃક્ષો ઉંબરો, પીપળો, રાયણ, લીમડા, અર્જુન, બદામ, કરંજ,
ખાખરો જેવા વૃક્ષો ઉછેરવાનું શરૂ કર્યું, તો વિસામો ખાવા પવિત્ર સ્થાનમાં સિમેન્ટના
બાંકડા લગાવ્યા. પોતાના ધંધા- રોજગારમાંથી અઠવાડિયામાં એક દિવસ અહીં આ યુવાનો ફાળવે
છે. જીવદયાની પ્રવૃત્તિ સાથે પર્યાવરણનું કામ મૂંગા મોઢે કરી રહ્યા છે. એક યુવાને કહ્યું
હતું કે સામૂહિક સેવા શરૂ થતાં છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માત થતા અટકી ગયા છે. સારાં
કામના સારા ફળ સમાજને મળે છે. વાગડની ધરતી પર સૌપ્રથમ કચ્છમાં મા નર્મદાનાં નીર આવતાં
આ પંથકની ફરજ છે કે ગામેગામ આવી ધાર્મિક જગ્યાઓમાં વૃક્ષ -પર્યાવરણ અને જીવદયાનાં કામો
કરી મા નર્મદાનું તથા ધરતીમાતાનું ઋણ ચૂકવવું જોઇએ અને પાણીનો બગાડ અટકાવી, રસાયણમુક્ત
- સજીવખેતી કરી ઋણ ચૂકવવામાં આવે તો મા ધરતી વધુ રાજી થાય.