• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

રવિભાણ આશ્રમના મહંત નવા મહામંડલેશ્વર

નખત્રાણા, તા. 21 : પ્રયાગરાજમાં વર્તમાન મહાકુંભમાં આવતા યાત્રી- ભાવિકોની સેવા માટે મોટી વિરાણી સ્થિત રવિભાણ આશ્રમ/ રામમંદિર તથા સામખિયાળી સ્થિત સંધ્યાગિરિ આશ્રમ દ્વારા સેવા કેમ્પ કાર્યરત છે. રવિભાણ આશ્રમના મહંત શ્રેષ્ઠ સેવા બદલ મહામંડલેશ્વર પદે નિયુક્ત કરાતાં 26મી જાન્યુઆરીએ પ્રયાગરાજ ખાતે પદાભિષેક કાર્યક્રમ યોજાશે. મહાકુંભથી મોટી વિરાણી રવિભાણ આશ્રમના મહંત શાંતિદાસજી મહારાજ તથા લઘુમહંત સુરેશદાસ (સૂર્યદાસજી)એ આપેલી માહિતી મુજબ દોઢ માસ સુધી ચાલનારા મહાકુંભમાં 250 યાત્રીના ઉતારાની વ્યવસ્થા તથા 500 જેટલા લોકોની મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. દૈનિક રુદ્રાભિષેક, હવન-પૂજા, સત્સંગ સહિતની ધાર્મિક પ્રવૃત્તિ કાર્યરત છે. તા. 25થી તા. 31 જાન્યુઆરી સુધી ભાગવત કથાકાર ગૌભક્ત ધનેશ્વરભાઇ જોશીની ભાગવત કથા યોજાશે. મહાકુંભ મેળામાં ભાવિકોની વ્યવસ્થા-સેવા, અન્નદાન, દૈનિક ધાર્મિક પ્રવૃત્તિઓના આયોજન સહિતના કાર્યોમાં શ્રેષ્ઠ સેવા કરનારી સાધુ-સંતોની મંડળીના મહંતની મહામંડલેશ્વરના પદે વરણી કરાય છે. રવિભાણ આશ્રમના મહંત શાંતિદાસજી મહારાજ ગુરુ પ્રિયાદાસજી મહારાજ (સદ્ગુરુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ)ની શ્રેષ્ઠ પ્રવૃત્તિથી મહામંડલેશ્વર પદ પર નિયુક્ત થતાં જગદ્ગુરુ દ્વારાચાર્ય દેવાચાર્ય મૂલક પીઠાધીશ્વર ડો. રાજેન્દ્રદાસજી મહારાજની અધ્યક્ષતામાં દીગંબર અખાડાના મહામંડલેશ્વર પદ પર પદાભિષેક સમારોહ યોજાશે. સેવા કેમ્પમાં રવિભાણ આશ્રમના લઘુ મહંત સરયુદાસજી શાંતિદાસજી મહારાજ તથા મહંત સંધ્યાગિરિ બાપુ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કુંભમેળામાં કચ્છથી મોટી સંખ્યામાં જતા યાત્રીઓ માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ બની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd