દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 21 : લગભગ ત્રણ
દાયકાથી શહેરમાંથી ઉલેચાતા ઘનકચરાના વૈજ્ઞાનિક દૃષ્ટિએ સંગ્રહ અને તેના તાર્કિક નિકાલ
અર્થે દીર્ધકાલીન આયોજનના ચોઘડિયા જોવાઇ રહ્યા હોય એવી જાણકારી મળી છે. રાજ્ય અને રાષ્ટ્રીય
ધોરીમાર્ગ વચ્ચે શીતળા મંદિર નજીક ખુલ્લી જગ્યાએ આવેલા હયાત ડમ્પિંગ સ્ટેશનને હવે આધુનિક
ઓપ આપવાનાં ચક્રો ગતિમાન થયાં છે. રૂપિયા એક કરોડ સાંઇઠ લાખના ખર્ચવાળો પ્લાન હાથ ધરાઇ
રહ્યો હોવાનો દાવો કરાયો હતો. ટેન્ડર પ્રક્રિયા કરાઇ છે. ચારેક એકરના ઘેરાવામાં સ્વચ્છ
ભારત મિશન હેઠળ અને ગાઇડલાઇન મુજબ રોજેરોજના કચરાનો નિકાલ થશે એમ પાલિકાના સૂત્રો સાથે
મેનેજર હાર્દિક મિત્રીએ વિગતો આપતાં કહ્યું હતું. 80ના દાયકા લગી હાલના પાલિકા સંકુલ
અને ટોપણસર ઓગન પાસે ગંધાતા ગાભાઓ, તબીબી કચરો વગેરે ઠાલવવાની મોકળાશ મળતી. આ સ્થળે
ખુલ્લામાં શૌચક્રિયા પણ બેરોકટોક થતી. ઓક્ટોબર 1925માં ગાંધીજીએ આ શહેરની પખવાડિયામાં
બેવાર મુલાકાત લીધી અને દરિયાઇ માર્ગે કચ્છના પ્રવેશદ્વાર મનાતા બંદરીય શહેરને ગોબરું
અને ગંધાતું શહેર હોવાનો બળાપો કાઢ્યો હતો. એ કંઇ અમસ્તું નહીં હોય ! આ તથા કથિત `ડમ્પિંગ સ્ટેશન' નલિયા રોડ ઉપર ઠેલાયું.
આ દરમ્યાન ગઢશીશા રોડ ઉપર `હડાખુડી' નામે જાણીતા સ્થળે મુડદાલ પશુઓના મૃતદેહો ગીધડાંઓનો
ભક્ષ બનતાં કાલાંતરે સોસાયટીઓ નિર્માણ પામતાં, શહેરના વિસ્તૃતીકરણ થકી અને જાહેર માર્ગ
ઉપર માથું ફાડી નાખે તેવી દુર્ગંધ દૂર કરવા તત્સમયના ધારાસભ્ય છબીલદાસ પટેલે આકરાં
પાણીએ જઇ હડાખુડીનાં માળખાંને ધ્વસ્ત કરાવેલું. એ દરમ્યાન મોઢવા પાસે શહેરના ડમ્પિંગ
પ્લાન્ટને ખસેડવાનાં ચક્રો ગતિમાન થયેલાં, પરંતુ એ સ્થળે શહેરથી 18-20 કિ.મી.ના અંતરે
હોવાથી ગાડું પાટે ચડયું જ નહીં ! પ્રવાસનને લીધે બહારથી આવતા સહેલાણીઓ પાસે છાપ ન
બગડે અને રહેઠાણ વિસ્તારોથી ઘેરાતા હાલને ડમ્પિંગ સ્ટેશનને આરોગ્યના પરિપેક્ષ્યમાં
સુરક્ષિત બનાવવાની ઝાલરો વાગતી રહી. વધુમાં
શહેરની `એરસ્ટ્રીપ'
જવા-આવવા માટેનો રસ્તો પણ આ કચરા સ્થળ પાસેથી
પસાર થાય છે. ઉત્તરાદેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો `બાયપાસ' નીકળી રહ્યો હોવાથી હયાત જમીનનો
અમુક ભાગ કપાતમાં જશે એમ સાધનોએ જણાવ્યું હતું. જો કે, એ સામે વધારાની જમીનની માગણી
મુકાઇ રહી છે. અપાતી જાણકારીમાં કહેવાયું હતું કે, સદરહુ હયાત ડમ્પિંગ સ્ટેશનમાં હાલ
લગભગ 80 હજાર ટન જેટલો કચરો પડેલો છે. જાણકાર એજન્સીએ ડ્રોન કેમેરા મારફતે સર્વે કરાવેલો
છે. કહે છે કે, રોજ સરેરાશ 22-23 ટન ધનકચરો ગણતાં મહિને લગભગ 600 ટન અને વર્ષે-દહાડે
સાડા છથી સાતેક હજાર ટન આવે. હવે આ ઘનકચરાનો રોજેરોજ નિકાલ-ડિસ્પોઝલ કરવા હયાત જગ્યાએ
પ્લાન્ટ ઊભો કરાશે. સંલગ્ન આધુનિક મશીનરી વસાવાશે. સૂકો કચરો (સોલિડ વેસ્ટ), ભીનો કચરો,
અલગ કરવાનું કામ મશીનરી કરશે. સૂકા કચરા માટે મટીરિયલ રિકવરી ફેસિલિટી (એમઆરએફ) અને
ભીના કચરા માટે વિન્ડ્રો ટર્નલ મશીન કાર્યરત કરાશે. આ રીતે ખાતર ઉત્પન્ન થશે અને તેના
વેચાણ વડે આવક ઊભી થશે. કચરાની ઘાંસડી બનશે. બારીક કચરો કરી તેનો અપેક્ષિત ઊપયોગ કરાશે.
સૂચિત આયોજનમાં સિક્યુરિટી ઓફિસ, રિટાયરિંગ રૂમ, ઇલેકટ્રોનિક વેધર બ્રિજ, બગીચો બનાવાશે.
ઘનકચરાના નિકાલમાં આસપાસનાં ગામડાંઓને આવરી લેવાશે. ટ્રેમેલ મશીન સૂકો કચરો વિભાજિત
કરશે. આમ માટી, પ્લાસ્ટિક, રબ્બર, પથ્થર વગેરે અલગ થઇ જશે તેવી જાણકારી મળી હતી. અપાતી
વિગતો અને દાવા મુજબ પ્રતિદિન ત્રીસ ટન પ્રોસેસ થશે. હયાત સ્થળે 13,500 ચો. મીટર જમીન
છે. બાયપાસ માટે કેટલીક જમીન કપાતમાં જાય તેમ
હોવાથી પડતર જમીન મેળવવા ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ પાસે મેજર કરાવેલું
છે, અત્યારે એસ્ટીમેટ લેવલે છે. એ પછી તાંત્રિક અને વહીવટી મંજૂરી, ટેન્ડરિંગ, વર્ક
ઓર્ડર વગેરે કોઠા ભેદવામાં ચારેક મહિના નીકળી જાય એવો સંભવ છે. જાણકારી મળી કે હયાત
સ્થળેથી 75 હજાર ટન ઘનકચરાનો નિકાલ થઇ ગયો છે અને બાકી પડેલો 77 હજાર ટન કચરાના નિકાલ
માટે ગ્રાન્ટની રાહ જોવાય છે. બધું સમું-સૂતરું ઊતરે તો એ માર્ગે લાઇટિંગ હશે. કચરો
દેખાશે જ નહીં એવો દાવો શ્રી મિત્રીએ કર્યો હતો. સિંગાપોર જેવો સમૃદ્ધ દેશ?ઘનકચરાનો
વૈજ્ઞાનિક નિકાલ, પ્રોસેસ કરીને મહદ્અંશે ઊર્જા ઉત્પાદનમાં પથદર્શક બન્યો છે. સ્વચ્છતા,
પર્યાવરણ જાળવણી, પ્રવાસન અને સ્વાસ્થ્યના પદાર્થપાઠો સિંગાપોરથી શીખવા અને અમલમાં
મૂકવા જેવા છે, જો નીતિ, નિયત અને નવનિર્માણમાં દૃષ્ટિ અને દિશા હોય તો ! માંડવી તાલુકા
વિકાસમંચના પ્રમુખ રાજેશભાઇ ભટ્ટ, પૂર્વ નગરપતિ અને સામાજિક અગ્રણી રસિકભાઇ દોશીએ હાલમાં
ખુલ્લામાં અને જાહેરમાર્ગની પાસે ઠલવાતા ઘનકચરાને ચૂંથતાં ગૌવંશો તરફ આંગળી બતાવતાં
કહ્યું હતું કે, પર્યાવરણની જાળવણી કાજે પણ ડમ્પિંગ સ્ટેશન હયાત સ્થળે અને હાલની સ્થિતિમાં
આરોગ્ય માટે ખતરાની ઘંટી છે. લાગ મળે આગ ચાંપીને એવા `વેસ્ટ'ને બાળી નાખવો એ ઉપાય નથી, ઉપાધિ
છે. વીતેલા ભૂતકાળમાં એવો કચરો બાળવામાં આવતાં નલિયા રોડ, સોસાયટીઓમાં ધુમાડા ધસી ગયા
હોવાની રાડ તરફ ઇશારો કરાયો હતો.