ભુજ, તા. 21 : કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની
નવી દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ
રાજ્યોના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રિહર્સલમાં વ્યસ્ત છે. આ વખતે, પરેડમાં
`નમો નમ:' નામનું ખાસ ગીત રજૂ કરવામાં આવશે
જેમાં 38 રાજ્યના 5,000થી વધુ કલાકાર ભાગ લેશે. જેમાં ગુજરાતના 250 સાથે કચ્છના દર્શિતા
પંકજ કનાડાની સ્વર ડાન્સ એકેડમી સાથે રવી મહેશ્વરી, પ્રિયલ ઝવેરી, એશા શાહના ગ્રુપ સાથે 70 કલાકાર જોડાયા છે કચ્છના કલાકારોનું
પ્રતિનિધિત્વ પંકજ કનાડા કરી રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે 5000 કલાકાર એક સાથે
એક જ ગીત પર આ અનોખો કાર્યક્રમ રજૂ કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા જઈ રહ્યા છે.
બધા કલાકારોને ખાસ તાલીમ આપવામાં આવી હતી જેમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક
કેવી રીતે કરવો અને તેમનું સ્વાગત કરતી વખતે શિષ્ટાચાર કેવી રીતે જાળવવો તે અંગે સૂચના
આપવામાં આવી હતી. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રાસિંહ શેખાવતે પણ ત્યાં મુલાકાત
લીધી હતી અને કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કલાકારોને આ
કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા એવું તેમણે કહ્યું તમે લોકો એક ઐતિહાસિક
રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છો. તમારી મહેનત ફક્ત તમારી નથી પરંતુ તે દેશને ગર્વ પણ કરાવશે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છના કલાકારો ભાગ લઈ
રહ્યા છે ત્યારે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ
પોતાના ક્વોટામાંથી કલાકારોની આવવા જવાની
ટીકીટ કન્ફરમેશન કરાવીને શુભેચ્છાઓ આપી અને પ્રજાસત્તાક દિવસની પરેડમાં પરંપરાગત
પોશાક અને રંગબેરંગી પોશાકથી કચ્છની વિવિધતા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરશે એવી આશા
સાથે સહકાર આપેલો હતો.