ભુજ, તા. 21 : રતનાલ પાસે નર્મદા લાઇનનું મરંમતકામ કરવાનું હોવાથી
ગઇકાલ બપોરથી ભુજ તેમજ બન્ની વિસ્તારને ફાળવાતું પાણી બંધ કરાયું છે. બે દિવસ સુધી
સમારકામની શક્યતાને પગલે પાણીની પરિસ્થિતિ કફોડી બનશે. ભુજની પાણીની પીડા ઉકેલાવાનું
નામ ન લેતી હોય તેમ રતનાલ પાસે નર્મદા લાઇનમાં ક્ષતિ મરંમત માટે ગઇકાલ બપોરથી પાણી
વિતરણ બંધ કરાયું હતું. ભુજ સુધરાઇ પાસે ઉપલબ્ધ જથ્થો વિતરીત કરી દેવાયો, પણ હજુ આવતીકાલ
સુધી મરંમતકામ પૂર્ણ થાય ત્યારબાદ પાણી વિતરણ કરાય જેથી ભુજમાં વિતરણ વ્યવસ્થા ઓછામાં
ઓછા ચારથી પાંચ દિવસ ખોરવાય તેવી ભીતિ વ્યક્ત થઇ?રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજને
વારંવાર તરસ્યા રહેવાનો વારો આવતો હોવાથી અને પૂરતી સંગ્રહ વ્યવસ્થા ન હોતાં વિકલ્પરૂપે
ધારાસભ્ય કેશુભાઇ પટેલના પ્રયાસોથી ધુનારાજા ડેમમાંથી પાણી વિતરણ કરવાની મંજૂરી સાથે
તેમાં નર્મદાનાં નીર સતત ભરી રાખવા સરકાર તરફથી મંજૂરી મળી હતી, જેને પગલે ધુનારાજાથી
ભુજિયા સમ્પ સુધી પાણી પહોંચાડવાનું આયોજન હાથ?ધરાયું છે. જો કે, આ પ્રક્રિયા પૂર્ણ
થવામાં હજુ લાંબો સમય નીકળી જશે, ત્યારબાદ કદાચ ભુજને પાણીકાપની સમસ્યામાંથી મુક્તિ
મળે તેવી સંભાવના છે. જીડબલ્યુઆઇએલ દ્વારા ગઇકાલ બપોરથી રતનાલ પાસે પાણી લાઇન રિપેર
કરવાનું કામ શરૂ?કરવા સાથે 48 કલાક વિતરણ બંધ રખાશે તેવું સુધરાઇની પાણી શાખાના જવાબદારોને
જણાવાયું છે. બે દિવસનું મરંમતકામ પૂર્ણ થયા બાદ ભુજમાં વિતરણ વ્યવસ્થા થાળે પડતાં
ઓછામાં ઓછા આઠેક દિવસનો સમય લાગશે તેવું જાગૃતો જણાવી રહ્યા છે.