ભુજ, તા. 21 : કચ્છમાં પ્રવાસનની સિઝન હાલ પૂરબહારમાં ખીલી છે.
ખાસ કરીને કચ્છને વિશ્વ પ્રવાસનના નકશામાં જેનું મહત્ત્વનું પ્રદાન છે એવા ધોરડોના
સફદ રણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 11 નવેમ્બરથી રણોત્સવનો
વિધિવત આરંભ થયા બાદ બે માસ કરતાં વધુના સમયગાળામાં સવા ત્રણ લાખ પ્રવાસીએ કચ્છના સફેદ
રણના સૌંદર્યને મનભરીને માણ્યું છે. પરમમિટ
ફી પેટે તંત્રને ચાર કરોડની આવક પણ થઈ છે.
હજુ રણોત્સવ પૂર્ણ થવાને એક માસ કરતાં વધુનો સમય બાકી છે. વળી સળંગ રજા સહિતના સંયોગો
પણ સર્જાવાના હોવાથી હજુ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સફદ રણમાં પહોંચે તેવી ધારણા છે. ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરીએથી મળેલા સત્તાવાર આંકડા
અનુસાર ધોરડોના સફેદ રણના સૌંદર્યને માણવા માટે માત્ર ભારત જ નહીં વિદેશથી પણ પ્રવાસીઓ
આવતા હોય છે. સફદ રણ જોવા આવતા પ્રવાસીઓ પાસેથી પરમિટ ફી વસૂલવામાં આવે છે. અત્યાર
સુધીના બે માસથી વધુના સમયગાળામાં 3.24 લાખ
પ્રવાસીએ સફેદ રણની મુલાકાત લઈ કચ્છના પ્રવાસન આતિથ્યને માણ્યું છે. પરમિટ ફી ઉપરાંત
સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી દોડાવાતી એસ.ટી. બસ પેટે તંત્રને અત્યાર સુધી ચાર કરોડ
રૂપિયાની આવક થઈ છે. ક્રિસમસ, ન્યૂયર અને તે
પછી ઉત્તરાયણ આસપાસ પ્રવાસીઓની ભારે ભીડ ઊમટી પડતાં સફેદ રણ આસપાસ આવેલા રિસોર્ટ, હોટેલ
ઉપરાંત ટેન્ટ સિટી ફૂલ થઈ ગયા હતા. વાહનો માટેની પાર્કિંગ વ્યવસ્થા પણ ટૂંકી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, ગયાં વર્ષે 8પ2 વિદેશી સહિત 7.42 લાખ પ્રવાસીઓ કચ્છના રણમાં પહોંચ્યા
હતા.