ગાંધીધામ, તા. 19 : અહીંના સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા ગાંધીધામ
ખાતે એસ.પી.એફ. ગ્લોરી એવોર્ડનું આયોજન કરાયું હતું, જેમાં વર્ષ દરમ્યાન સંસ્થાને સહયોગ
આપનાર તેમજ જુદા-જુદા પ્રકલ્પમાં જોડાયેલા અગ્રણીઓનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરાયો હતો. બાદ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સંસ્થાપક
અસ્મિતાબેન બલદાણિયાએ વર્ષ દરમ્યાન કરાયેલી કામગીરીની જાણકારી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય
માલતીબેન મહેશ્વરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા અને સહયોગી
અગ્રણીનું સ્મૃતિચિહ્ન તેમજ એસપીએફ ગ્લોરી એવોર્ડ આપી સન્માન કરાયું હતું. સમારોહમાં ડો. નિકુંજ બલદાણિયાની સેવા પ્રયાસ ફાઉન્ડેશનના
વર્ષ-2025 માટે પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં નૃત્ય, નાટક સહિતના કાર્યક્રમો
યોજાયા હતા. રેમ્પવોકની કોરિયોગ્રાફી આશિશા ભાનુશાલી, વિજય ભક્તા દ્વારા કરાઇ હતી.
પહેરવેશ રેમ્પવોકમાં કૃપા ગોસ્વામીનો સહયોગ સાંપડ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન
ડો. ભાવિક ખત્રી અને ડો. શિલ્પા તોસનીવાલ દ્વારા કરાયું હતું. આયોજનને સફળ બનાવવા સંસ્થાના
સભ્યોએ સહયોગ આપ્યો હતો.