• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

સહિયારા પ્રયાસોથી ઊભાં થયેલાં સંગઠનો વિકાસની પરિભાષા બદલી શકે

ભુજ, તા. 4 : આપણું ભુજ શહેર સૌ નાગરિકો માટે સર્વ સમાવેશક અને ન્યાયિક શહેર બની રહે એ માટે ભુજની સામાજિક સંસ્થાઓ અને સંગઠનોના સંયુક્ત પ્રયાસો દ્વારા `હોમ ઇન ધ સિટી'  એચ.આઇ. સી. પ્રકલ્પ 2008થી  શહેરમાં કાર્યરત છે. દર ત્રણથી પાંચ વર્ષે શહેર સ્તરના બેદિવસીય કાર્યક્રમનું આયોજન કરે  છે, જેમાં શહેરના પ્રશ્નો માટે નાગરિકોના સૂચનો મેળવવા સાથે પોતાની કામગીરીનું આદાન-પ્રદાન કરી શકે. આ વિચારધારા સાથે ભુજ ખાતે `સૌ માટેનું શહેર : પ્રકૃતિ સાથે સર્વસમાવેશક અને ન્યાયિક શહેર' નામી બેદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કૃતિઓ દર્શાવતા સ્ટોલ નિષ્ણાતોની ઉપસ્થિતિમાં વિષયાભિમુખ ચર્ચાઓ પ્રકલ્પની આગામી દિશાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. ભુજના નાગરિક સમાજ સંગઠનો કચ્છ મહિલા વિકાસ સંગઠન, હુન્નરશાળા ફાઉન્ડેશન, સહજીવન, એરીડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજિસ અને સેતુ અભિયાન દ્વારા શરૂ થયેલા આ પ્રકલ્પનો મુખ્ય હેતુ શહેરના વિકાસમાં વંચિતોની સાર્થક ભાગીદારી મેળવી, ભુજની સુધારણા માટે તેમને સકારાત્મક બળ તરીકે સામેલ કરવા, પર્યાવરણ-સંવેદનશીલ તકનિકો અને પ્રથાઓ દ્વારા પાણીની વ્યવસ્થા અને જૈવવિવિધતા જેવા કુદરતી વારસાનું સંરક્ષણ કરવું વિ. અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમના આરંભે સંદીપભાઈ વિરમાણી અને અસીમ મિશ્રએ અત્યાર સુધી પ્રકલ્પ અંતર્ગત થયેલી કામગીરીથી મહેમાનોને અવગત કર્યા હતા. સેતુ અભિયાનના બોર્ડ મેમ્બર અરૂણભાઈ વચ્છરાજાનીએ પ્રવૃત્તિઓ લોકલક્ષી હોવાનું જણાવ્યું હતું. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન્સ (ઘિઊંઈંઅ)ના મેનાજિંગ ડાયરેક્ટર નિમિષભાઈ ફડકેએ સંસ્થાઓના સહિયારા પ્રયાસોના કારણે ઊભા થયેલા સંગઠનોની શક્તિને વિકાસની પરિભાષા બદલી શકનારા તરીકે ગણાવી કચ્છની ઇન્ડસ્ટ્રીઝ વતી સહયોગી બનવાની ખાતરી આપી હતી. વિવિધ મુદ્દાઓને દિશાસૂચન અને માર્ગદર્શન આપવા માટે ગુજરાત ઉપરાંત બેંગ્લોર, પોંડિચેરી, નાગપુરથી  વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાર્થ સારથિ, રોહિત પ્રજાપતિ, પર્યાવરણ સુરક્ષા સમિતિ -વડોદરા, સંજય ઠાકર (ડાયટ-ભુજ), સમીર શેખ (શિક્ષણ નિષ્ણાત), અવિનાશ મહાડે (પોંડિચેરી), કાસમ સમા,  મનુભા જાડેજા, ભૂમિબેન, શરીફભાઈ, નિખિલ ધામાણી, બિંદિયા ઠક્કર, જહાન (ભુજ), બિઆંકા ફર્નાન્ડિસ તથા ઈન્દુમતીબેન, અનિલ વાસનિક,  શૈલેન્દ્ર વાસનિક, અનુપ્રધાસિંઘ, ધર્મિષ્ઠાબેન, મહેશ ગજેરા, વિપુલ પંડ્યા, પ્રીતિબેન ઓઝા,  ભટ્ટભાઈ, કિશોર શેખા, ભગવાનભાઇ, અમીબેન શ્રોફ, અવની દવે, લોકેન્દ્ર બાલાસરિયા,  ભાવના માહેરિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ભુજના મેયર રશ્મિબેન સોલંકીએ ખાસ હાજરી આપી કાર્યક્રમનાં આયોજન બદલ તંત્રના સહકારની ખાતરી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang