• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

મેઘપર (કું.)ની સોસાયટીઓ સમસ્યાઓના ભરડામાં

ગાંધીધામ, તા. 26 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આવેલી આદિપુર પછવાડેની અનેક સોસાયટીઓમાં કચરાના ગંજ, તૂટેલા માર્ગ, પીવાના પાણીની અનિયમિતતા, રખડતા આખલાઓની સમસ્યાએ માજા મૂકી છે. પંચાયતમાં સરપંચ વિરુદ્ધ સભ્યોએ બાંયો ચડાવી છે, ત્યારે આવી સમસ્યાઓનો ઉકેલ કોણ લાવશે તેવા પ્રશ્નો વચ્ચે લોકો પીસાઇ રહ્યા છે. મેઘપર-કુંભારડીની ગોલ્ડન સિટી, ગુરુકૃપા, દેવનારાયણ નગર, મેઘમાયા સોસાયટી, ભક્તિ નગર, સિદ્ધેશ્વર નગર, ભક્તિધામ વગેરે સોસાયટીઓમાં કચરાના ગંજ ખડકાયેલા પડયા છે. આવી અમુક સોસાયટીઓના ખાલી પડેલા પ્લોટોમાં વરસાદી પાણી ભરાયેલાં પડયાં છે, જે મચ્છર, માખી ઉત્પન્ન કરનારી ફેક્ટરીઓ સમાન થઇ પડયા છે. આવી ફેક્ટરીઓમાં ઉત્પન્ન થતા મચ્છર, માખી સહિતના જીવાત લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે અને લોકો માંદગીના બિછાને પડી રહ્યા છે. આવાં ભરાયેલાં પાણીમાં આરોગ્ય વિભાગે વર્ષોથી સમ ખાવા પૂરતી કોઇ જ કાર્યવાહી કરી નથી. પંચાયતની સાથે આરોગ્ય વિભાગ પણ આ સોસાયટીઓ સાથે ઓરમાયું વર્તન કરી રહ્યું છે. આ સોસાયટીઓના લોકોને ગાંધીધામ કે આદિપુર જવાનો માર્ગ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે છે, જે થોડા મહિના અગાઉ જ ચૂંટણી પહેલાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ માર્ગની નીચે રહેલી પાણીની લાઇન તૂટેલી હોવાથી ત્યાં પાણી ભરાય છે અને વાહનો પસાર થતાં હોવાથી ત્યાં કૂવા જેવડા ખાડા પડી ગયા છે. અંતરજાળ, કિડાણા વિગેરે વિસ્તારોમાં જતી આ લઇન જ્યાં તૂટેલી છે, ત્યાં શ્વાન, ડુક્કર સ્નાન કરતા હોય છે. પાણી વિતરણ બંધ થાય ત્યારે લાઇન પાણી પરત ખેંચે છે, ત્યારે આવું ગંદું પાણી લોકોના ઘરે જાય છે. ગોલ્ડન સિટી સોસાયટીમાં પણ બનાવાયેલો મુખ્ય માર્ગ હજુ અધૂરો હોય તેવું જણાય છે. તૂટેલા અને ઉબડ-ખાબડ માર્ગો પરથી પસાર થતી વેળાએ લોકોની કમર તૂટી જતી હોય છે. બીજીબાજુ અનેક સોસાયટીઓમાં દીવાબત્તી નથી, જેના કારણે સાંજના સમય બાદ મહિલાઓને ઘરેથી નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. આ સોસાયટીઓમાં અનેક જગ્યાએ કચરાના ગંજ ખડકાયેલા છે. સમ ખાવા પૂરતી ક્યારેય કામગીરી થતી નથી. રાજકારણીઓ, નેતાઓ ચૂંટણી વખતે દેખાય છે, બાદમાં ક્યારેય ડોકાતા નથી. આ રહેણાક વિસ્તારોમાં તંત્ર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ઊણું ઉતર્યું છે. હાલમાં પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ બાંયો ચડાવી કરોડોની ગ્રાન્ટ હોવા છતાં વિકાસકામો ન કરાતાં હોવાના આક્ષેપ કર્યા છે, તેવામાં લોકોને પ્રાથમિક સુવિધા કોણ પૂરી પાડશે, તેવા પ્રશ્નો બહાર આવી રહ્યા છે. આ વિસ્તારોને પણ ગાંધીધામ નગરપાલિકામાં ભેળવી દેવા લોકો મત વ્યક્ત કરી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang