• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

સાવધાન ! શંકાસ્પદ ચાંદીપુરાથી બે બાળકોનાં મોત

ભુજ, તા. 26 : રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસે ચિંતા સાથે ઉચાટની સ્થિતિ સર્જી છે. કચ્છ જિલ્લામાં આ રોગનો એક પોઝિટિવ કેસ દેખાયા બાદ આ વાયરસ જીવલેણ પુરવાર થઈ રહ્યો હોય તેમ કચ્છમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ સાથે દાખલ થયેલાં બે બાળકનાં સારવાર દરમ્યાન મોત થતાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે, તો વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવવા સાથે એક પોઝિટિવ અને પાંચ શંકાસ્પદ મળી જિલ્લામાં કુલ છ કેસ ધ્યાને આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ વાયરસની ગંભીરતાને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે તકેદારીના પગલાંને વેગવાન બનાવ્યા છે.  રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારે માહિતી આપતાં કહ્યું કે, ભુજ તાલુકાના માધાપર ગામની શ્રમજીવી વસાહતમાં રહેતી આઠ માસની બાળકીનું ભુજની જનરલ હોસ્પિટલમાં, તો અંજાર તાલુકાના મેઘપર ગામે રહેતી છ વર્ષીય બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બન્ને બાળકના સેમ્પલનો પરીક્ષણ રિપોર્ટ બાકી છે, જેથી બન્નેનાં મોત ચાંદીપુરાનાં કારણે થયાં કે અન્ય કારણોસર, તે હજુ સુધી  સ્પષ્ટ ન હોવાનું રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું.  ડો. કેશવકુમારે કહ્યું કે, આ ઉપરાંત મુંદરા તાલુકાના હટડી, માંડવી તાલુકાના ગઢશીશા તેમજ અંજારના મેઘપર (બોરીચી)માં શંકાસ્પદ કેસ દેખાયા છે. આ પૈકીનો ગઢશીશાનો દાખલ દર્દી 18 વર્ષનો હોતાં તેને તકનિકી રીતે શંકાસ્પદ યાદીની સમાવિષ્ટ કરવો કે કેમ તે બાબતે રાજ્ય આરોગ્ય વિભાગનું માર્ગદર્શન મગાયું છે. આ ત્રણેય શંકાસ્પદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઢશીશામાં શંકાસ્પદ કેસના પગલે આરોગ્ય તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા આંગણવાડી તથા શાળામાં દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ હતી. હેલ્થ ઓફિસર ડો. પાસવાન, ડો. નાથાણી, ડો. હાર્દિક પંડયા, અમિત પટેલ, હાર્દિક ત્રિવેદી, શૈલેષ પટેલ, વિરાજ સાવઠિયા કામગીરીમાં જોડાયા હતા. સરપંચ કોમલબેન સંજયગિરિ ગોસ્વામી, તલાટી મોરારભાઈ ડાભી, અર્જુનસિંહ રાઠોડ સહયોગી બન્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang