• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

સીડ બોલ વાવી ભુજને હરિયાળું બનાવવાની ઝુંબેશે વેગ પકડયો

ભુજ, તા. 6 : ભુજ આસપાસના વિસ્તારને હરિયાળું બનાવવાના હેતુથી મિશન ગ્રીન ભુજ અંતર્ગત ભુજ અને આસપાસનાં ગામોમાં છેલ્લા દસ દિવસમાં હજારો સીડબોલ બનાવી તેનું વાવેતર પણ શરૂ કરાયું છે. સીડ બોલ એ ત્રણ ભાગ તળાવની માટી અને એક ભાગ ખાતર મિક્સ કરી એમાં જંગલી વનસ્પતિનું બીજ મૂકીને બેથી ત્રણ ઈંચની સાઈઝનો બોલ  બનાવવામાં આવે છે જેનું વગડામાં જમીન લેવલે વાવેતર કરવાથી ચોમાસામાં અંકુરણ ફૂટી અને બે ત્રણ વર્ષે વૃક્ષ બનતું હોય છે. મોટાભાગે સીડ બોલની અંદર એવા જ સ્થાનીય વૃક્ષોના બીજ પસંદ કરાય છે જે ખૂબ ઓછા પાણીથી પણ ટકી રહેતા હોય અને તેમાંથી સ્થાનીકે પંખીઓને ખોરાક મળતો હોય. મિશન સાથે જોડાયેલા વનવગડો ગ્રુપના કલ્પનાબેન ઠક્કર અને કમલબેન જોષીની આગેવાની હેઠળ આ કાર્યની શરૂઆત આઈયા નગર ઓમકારેશ્વર મહિલા મંડળથી કરવામાં આવી હતી. ભાનુશાલી નગર મહિલા મંડળ, ચાણક્ય એકેડેમી, જાદવજી નગર મહિલા મંડળ, મેંગો ગ્લોબલ પ્રિસ્કૂલ, સંસ્કારનગર મહિલા મંડળ, આરટીઓ રિલોકેશન ગ્રુપ, આશાપુરા ફાઉન્ડેશન, ઓધવ રેસીડેન્સી, ગાયત્રી મંદિર - ભુજ, તેજસ્વિની ગ્રુપ- રસીલાબેન પંડ્યા, માધાપર રામનગરી સ્કૂલ, કોટડા ઉગમણા પ્રાઈમરી સ્કૂલ વગેરે સ્થળોએ ત્યાની બહેનો અને નાનાં-નાનાં બાળકોની મદદથી સીડ બોલ બનાવવામાં આવ્યા છે. બાળકો પણ આ કાર્યમાં ઉમંગભેર જોડાયા છે. દરેક જગ્યાએ સીડ બોલ માટેનું મટિરિયલ કલ્પનાબેન અને કમલબેન પોતાના તરફથી લઈ જતા હોય છે. કમલબેન પણ વરસોથી વૃક્ષ વાવેતર અને જીવદયાનાં કાર્યો સાથે જોડાયેલા છે. એમનું કહેવું છે કે અમે આ સીડ બોલને જંગલમાં ફેંકી દઈશું નહીં પરંતુ પ્રકૃતિપ્રેમી મિત્રોની સાથે મળીને એક એક સીડબોલનું વાવેતર કરીશું. પ્રમુખસ્વામી નગર, આઇયા નગર, હરિપર અને વ્યાયામશાળાના મિત્રો આ અભિયાનમાં જોડાયા છે. વાઈટ ઇગલ સાઈકલ ગ્રુપ દ્વારા પણ સીડ બોલ વાવેતરનું કાર્ય હાથ ધરાયું હતું. ટીમ મેનેજમેન્ટ સંભાળતા સંદીપભાઇ વ્યાસનું કહેવું છે કે આ કાર્ય અંતર્ગત સેંકડો બાળકોમાં પ્રકૃતિપ્રેમ માટેના સંસ્કાર સિંચનનો અનેરો મોકો મળ્યો છે. પ્રશાંત જોશીનું કહેવું છે કે કોઈપણ સંસ્થા કે મિત્રોને વાવેતર માટે સીડબોલ ની જરૂરત હશે તો તેમને વિનામૂલ્યે આપી વાવેતરની રીત પણ શીખવાડવામાં આવશે. 63564 99787, 99132 04516નો સંપર્ક સાધવા જણાવાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang