• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

દીકરીઓને ભણાવી આવનારી પેઢીને ઉન્નત બનાવીએ

ભુજ, તા. 6 : `એક ભણેલી માતા 100 શિક્ષકની ગરજ સારે...' આથી આપણે દીકરીઓને ભણાવીએ અને આવનારી પેઢીને ઉચ્ચતમ શિક્ષણ તરફ લઇ જઇ તેમનાં જીવનને ઉન્નત બનાવીએ તેવું આહ્વાન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઇ પટેલે આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા યોજાયેલા શૈક્ષણિક સન્માન સમારોહમાં કર્યું હતું. આ પ્રથમ વખત આયોજિત કાર્યક્રમને બિરદાવી આવા પ્રેરણારૂપ કાર્યક્રમ હજુએ આપવા જણાવ્યું હતું. મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વાલીઓ-વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાયેલા ભુજના ટાઉનહોલમાં આયોજિત આ કાર્યક્રમમાં મંચસ્થ એવા મોહનભાઇએ જણાવ્યું કે, તેમના અધ્યયનમાં ધ્યાને આવ્યું છે કે, હાલ દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓની સંખ્યામાં મુસ્લિમ સમાજનો હિસ્સો પાંચ ટકા છે, જે ચિંતાનો વિષય છે, પરંતુ આજે આપણે અહીં ગુજકેટની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનારા રોહન કુરેશીને સન્માન્યા તે માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહીં કચ્છ માટે પણ ગૌરવની બાબત છે અને રોલમોડેલ તરીકે લઇ આગળ વધવા જણાવ્યું હતું. શ્રી પટેલે એ.પી.જે. અબ્દુલ કલામના જીવંત ઉદાહરણો ટાંક્યા હતા. સ્વપ્ન એ નથી કે જે રાતે ઊંઘમાં આવે છે, સ્વપ્ન એ છે જે તમને રાતે ઊંઘવા નથી દેતા. આવા ઊંઘવા ન દેવાનાં સ્વપ્ન જોવાનું કામ આપણે સૌએ ભેગા મળીને કરવાનું છે, જો આમ કરીશું તો મને નથી લાગતું આપણા દેશને દુનિયામાં ઉચ્ચ શીખરે પહોંચતા કોઇ રોકી શકશે. આ કાર્યક્રમમાં ફરઝંદે મુફતી-એ-આઝમ કચ્છ સૈયદ કાસમશા હાજી અહમદશા મંચસ્થ રહ્યા હતા અને સૈયદ હાજી સલીમશા જહાંગીરશા (વિંઝાણવાળા)એ આ કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવી કોમ સમક્ષ મૂકવા બદલ આયોજકોને બિરદાવ્યા હતા. કુરાનની 150 જેટલી આયતોમાં સૌપ્રથમ પૈગામ ઇલમ, એજ્યુકેશનને મહત્ત્વ આપતો અપાયો છે. કુરાન અને હબીબના છેલ્લા પૈગામમાં નફાવાળી ઇલમ અંગે જણાવાયું છે. તમે મેળવેલી ઇલમ-શિક્ષણ થકી અન્યને ફાયદો અપાવે તેવી નફાવાળી ઇલમ તમને કામયાબી-તરક્કી તરફ લઇ જશે. જ્યારે અધિક કલેક્ટર મિતેશભાઇ પંડયા અને પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ પોતાના ઉદ્બોધનમાં શૈક્ષણિક દરેક સમાજ-દેશની પારાશીશી છે. માનસિક વિકાસના બદલાવનું પરિબળ શિક્ષણ છે. શિક્ષણ ક્ષેત્રે તકોનો લાભ તમને કઇ રીતે ઉચ્ચતમ શીખરે પહોંચાડશે તેવી વિગતે વાત કરી હતી. આજના આ કાર્યક્રમમાં કચ્છ મુસ્લિમ સમાજના શૈક્ષણિક વર્ષ 2023-24 દરમ્યાન ધો. 10, ધો. 12, ડીપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએટ, ડોક્ટર અને એમ.ફીલ.ના તમામ પ્રવાહોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દીની તાલીમમાં કારી, હાફીઝ, આલીમ, ફાઝીલ થનાર તુલ્બાઓ આમ કુલે 370 જેટલાઓનું શૈક્ષણિક સન્માન થયું હતું. આ કાર્યક્રમ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તથા મુસ્લિમ સમાજના દરેક તાલુકામાંથી આગેવાનો ઉપરાંત રાજકીય અને સામાજિક અગ્રણીઓ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ તેમનો તથા વિદ્યાર્થીઓ-વાલીઓ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ યુવા ટીમનો સમિતિના પ્રમુખ અબ્દુલ એમ. રાયમાએ  આભાર માન્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang