• સોમવાર, 06 મે, 2024

પવનચક્કીઓના કારણે વન્ય સંપદા, જીવ સૃષ્ટિને નુકસાન

નેત્રા, તા.23 : કચ્છમાં ઠેકઠેકાણે પવનચક્કીઓના જંગલો ખડકાયા છે. જુદી જુદી કંપનીઓની પવનચક્કીઓ ફાયદાની સાથે નુકસાનકર્તા હોવાની ઢગલાબંધ ફરિયાદો પણ ઊઠી છે. કેટલોક વર્ગ એવો છે કે જે જંગલોની જેમ ફૂટી નીકળેલી પવનચક્કીઓથી લાભાન્વિત છે, તો કેટલો વર્ગ એવો પણ છે કે જે વિન્ડફાર્મથી નુકસાનીમાં છે. પર્યાવરણ, પ્રકૃતિ, વનસંપદા, પક્ષીઓ સહિતને હાનિકારક છે પવનચક્કીઓ. જેથી જાગૃત નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા તેની સામે વિરોધ પણ થતાં આવ્યા છે.  કચ્છમાં પવનચક્કીઓએ અનેકને તારી દીધા છે, સાથે મુશ્કેલીઓ પણ વધી છે. પશુ- પંખીઓનાં મૃત્યુ અને સીમાડા સળગવાના બનાવો પણ રોજિંદા બન્યા છે. કચ્છની ધરતી પર ઊભી થયેલી પવનચક્કીઓના રાક્ષસી પાંખડાઓ નુકસાનકર્તા હોવાની ફરિયાદો પણ સમયાંતરે ઊઠતી રહી છે. સંભવત: આખુંય કચ્છ મહાકાય પવનચક્કીઓથી ઘેરાઈ ગયું છે. પવનચક્કીઓ થકી જમીનોની કિંમતો પણ વધી છે. પવનઊર્જા દ્વારા વીજઉત્પાદનમાં વિદેશોમાં કચ્છનું નામ ગાજતું થયું છે. લગભગ કચ્છનો હવે કોઈ તાલુકો એવો નથી જ્યાં પવનચક્કીઓ હોય. 2001 પછી કચ્છમાં ઝડપભેર ફેલાયેલા ઔદ્યોગિકીકરણના જાળામાં પવનચક્કીઓમાં સતત વધારો થતો રહે છે. કચ્છ જિલ્લામાં પવનઊર્જા ઉત્પન્ન કરવા પવનચક્કીઓના ખડકલા કરી દેવાયા છે અને હવે ધીમે-ધીમે પવનચક્કીઓના કારણે થતા નુકસાનનાં કારણો પણ સામે આવવા માંડયાં છે. પશુપાલકો અને ખેડૂતો પવનચક્કીઓ સામે વિરોધ કરવા માડયાં છે. સિમતળમાં લાગેલી પવનચક્કીઓને કારણે પર્યાવરણ તેમજ જીવસૃષ્ટિને નુકસાન થાય છે. રાક્ષસી પાંખો ધરાવતી પવનચક્કીઓ ફરે છે ત્યારે એના દ્વારા જે ઘોંઘાટ ફેલાય છે ,એનાથી નિશાચરો અને પક્ષીઓની જીવનચર્યાને નુકસાન - ખલેલ પહોંચી રહી છે. પવનચક્કીઓએ કચ્છને ઘણું આપ્યું છે, તો ઘણું છિનવ્યું પણ છે. પવનઊર્જા દ્વારા જંગી વીજઉત્પાદન પણ થાય છે. તો તેની સામે જીવસૃષ્ટિ અને વનસંપદાને હાનિ પણ પહોંચી છે. ગામડાંઓમાં જમીનોની કિંમત પણ વધી છે. આમ પવનચક્કી ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. જોકે આવનારા દિવસો કહેશે કે પવનચક્કીથી કચ્છ લાભમાં છે કે  નુકસાનમાં, બાકી નિયમોને નેવે મૂકીને આડેધડ લગાવાઇ રહેલી પવનચક્કીઓને લઇને દરેકના ભિન્ન-ભિન્ન મતમતાંતરો છે. કોઇ લાભદાયી ગણાવે છે તો કોઇ નુકસાનકર્તા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang