• સોમવાર, 06 મે, 2024

આહીરપટ્ટીમાં માધવનગર નામે ગામનું તોરણ બંધાયું

રાયધણપર (તા. ભુજ), તા. 23 : હનુમાન જયંતીના પવિત્ર દિવસે ભુજ તાલુકાના આહીરપટ્ટીમાં `માધવનગર' નામથી એક ગામનું તોરણ બંધાતાં કચ્છના નકશામાં આજથી વધુ એક ગામ અસ્તિત્વમાં આવ્યું હતું. ચપરેડી-અટલનગર-નાડાપા અને મમુઆરા ગામના ત્રણ રસ્તાની બાજુમાં કેરાસિયા (આહીર) પરિવારના સાત ભાઈના સંયુકત પરિવાર દ્વારા અહીં 20 મકાન તૈયાર કરી ગૃહપ્રવેશની સાથે `માધવનગર'નું તોરણ બંધાયું હતું. મૂળ ઉમેદપર ગામના કેરાસિયા પરિવાર ધંધાર્થે રાયધણપર-નાડાપા-મમુઆરા વિસ્તારમાં સ્થાયી થયા બાદ `માધવનગર' ગામ વસાવી હનુમાન જયંતીના દિવસે ગૃહપ્રવેશ કર્યો હતો. `શૂન્યમાંથી સર્જન કરનાર'ની ઓળખ કેરાસિયા પરિવારની રહી છે. આહીર સમાજના રાજકીય-સામાજિક અગ્રણીઓ અને સંતગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મૂળ ઉમેદપર ગામના કેરાસિયા પરિવારના સાત ભાઈઓના પરિવારમાં મહેનતકશ યુવાનોએ અલગ-અલગ ક્ષેત્રમાં કાઠું કાઢી ધંધા વિકસાવ્યા બાદ દીકરા-પિતા-દાદા-પૌત્રા સાથેના પરિવારે એક જગ્યાએ સાથે રહેવાના વિચાર સાથે બે-ત્રણ વર્ષ અગાઉ નાડાપા-મમુઆરા-ચપરેડી સીમના ત્રિભેટે ત્રણથી ચાર એકર જમીન ખરીદી હતી અને અહીં પોતાના સંયુકત પરિવારનું એક ગામ વસાવવા પાયો નાખ્યો હતો અને આજે હનુમાન જયંતીના દિવસે `માધવનગર'નું તોરણ બંધાયું હતું. નિમિત્તે ત્રણ દિવસના ધાર્મિક પ્રસંગો આયોજિત હોઈ આહીર સમાજની મોટી સંખ્યામાં આવન-જાવન રહી હતી. દરમ્યાન જે માધવનગર નિર્મિત થયું છે તે ચપરેડી-અટલનગર જૂથ ગ્રામપંચાયત હેઠળ ભૂગોળની દૃષ્ટિએ સમાવિષ્ટ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang