• સોમવાર, 06 મે, 2024

સબ સુખ રહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુકો ડરના

ભુજ, તા. 23 : મંગળવારે ચૈત્રી સુદ પૂનમે મહાબલી હનુમાન જયંતી નિમિત્તે કચ્છભરનાં ગામે ગામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આજે હનુમાન જયંતી નિમિત્તે ભુજના પડદાભિટ્ટ હનુમાન, ભીડ?ખાતે આવેલા દાંડીવાળા હનુમાન, ખાખ ચોકવાળા સંકટમોચન હનુમાન સહિતના સ્થળે મહાઆરતી, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. - બિહારીલાલમાં હનુમાન મંદિરે ઉજવણી : ભુજ : અહીંના છતરડી તળાવના કાંઠે આવેલા સ્વયંભૂ બિહારીલાલ મંદિર પરિસરમાં આવેલા સંજીવની જડીબુટી હનુમાનજી મંદિરમાં મહંત પૂજ્ય રામદાસજી મૌનીબાપુના સાંનિધ્યમાં પૂજારી મુકુંદભાઇ પંડયા દ્વારા હનુમાન જન્મોત્સવની આરતી-પૂજન કરવામાં આવ્યા બાદ નિકુંજભાઇ ધોળકિયા, ઘનશ્યામભાઇ નંદા, પ્રદીપભાઇ ગોર દ્વારા હનુમાન ચાલીસા અને રામધૂન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત ભકતોને સુખડી પ્રસાદ વિતરણની વ્યવસ્થામાં મંદિર સેવા સમિતિના રૂપભાઇ ઠક્કર, નંદુ નંદા, શશી ઠક્કર, નિકુંજ ધોળકિયાએ આયોજન વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. - પાતાળેશ્વર હનુમાનજી મંદિરે જન્મોત્સવ મનાવાયો :  ભુજની ભાગોળે પાલારા સીમમાં પુરાણ પાતાળેશ્વર હનુમાન મંદિરે રામદૂતના પ્રાગટય દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલારા વિકાસ સમિતિના નેજા હેઠળ યોજાયેલા પ્રસંગોના પ્રારંભે સવારે મંગળાઆરતી,  ધ્વજારોહણ બાદ રામેશ્વર ગાયત્રી મહિલા મંડળ દ્વારા ગાયત્રી યજ્ઞ અને આરટીઓ રાજગોર સુંદરકાંડ મંડળ તરફથી હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ, હનુમાનાષ્ટકના પાઠનનું પઠન કરાયું હતું. શિલ્પાબેન નીલેશ ગણાત્રા અને કંદર્પ વી. ગોરના મુખ્ય યજમાનપદે ધાર્મિકવિધિ સંપન્ન કરાઇ હતી. મેઘીબેન પાંચાભાઇ ગાગલ સહયોગી બન્યા હતા. અવસરે શિલ્પાબેન ગણાત્રા તરફથી પાલારા રામદેવ સેવાશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. વસંત અજાણીએ સંચાલન કર્યું હતું. અરવિંદ ગોર, પ્રફુલ્લ જોશી, જગદીશ માકાણી, પાલારા આહીર મંડળ, જયેશ જોશી, નવીન કેશવાણીએ જહેમત ઉઠાવી હતી. પૂજારી બુદ્ધગરે આવકાર આપ્યો હતો. રોકડિયા હનુમાનજી મંદિર - માધાપર : માધાપર સ્થિત મંદિરે સવારે તૃતીય મારુતિ યજ્ઞ યોજાયો હતો, જેમાં ગ્રામજનો, નવાવાસ પંચાયત -અરજણભાઈ ભુડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. - દહીંસરાના હનુમાન મંદિરે ઉજવણી : દહીંસરા (તા. ભુજ) : ગામના મુખ્ય સમા ચોકી ઓટલા નજીક આવેલા વર્ષો પુરાણા મંદિરે સવારે હોમ હવન - આરતી યોજાયા હતા. ટ્રસ્ટી વિશ્રામભાઇ કારા, શશિકાંત પટેલ, શિવજીભાઇ પટેલ, ધનજીભાઇ ચાડ ઉપસ્થિત રહ્યા હતા. હવનવિધિ શાત્રી સ્મિત વ્યાસ -ભૂદેવના હસ્તે કરવામાં આવી હતી. ભાવિકભકતોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. ભુજ-માંડવી હાઇવે ઉપર આવેલ મંદિર શ્રીરામ-જય હનુમાનજીના નાદથી ગાજી ઊઠયું હતું. રામસખી મંદિર : અંજારના રામસખી મંદિરે હનુમાનજી મહારાજનો પ્રાગટયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ દ્વારા આરતી અને પ્રસાદનો ભોગ લગાવવામાં આવ્યો હતો. પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતા. ગઢશીશા પંથકમાં વિવિધ કાર્યક્રમો યોજાયા: ચૈત્ર સુદ પૂનમે ગઢશીશા પંથક હનુમાનજીની ભક્તિથી રંગાયો હતો, જેમાં ગઢશીશા ગામની સ્થાપના પૂર્વેના પ્રાચીન કંડાવાળા હનુમાનજી મંદિર ખાતે સવારે ધજા બદલાવવા સાથે બપોરે મહાઆરતી, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું. શિવાજીનગર સ્થિત બાલાજી હનુમાન મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા હોઈ રજત જયંતી વર્ષની ઉજવણી અનુલક્ષી સવારથી હનુમાનજીના ચાલીસા પાઠ, બપોરે અન્નકૂટ દર્શન તથા જાણીતા કથાકાર અશ્વિન શાત્રી અને પૂ. ચંદુમાની ધર્મસભા, મહાઆરતી તથા રાત્રે જાણીતા કલાકારોની સંતવાણીનું આયોજન કરાયું હતું. બાલકૃષ્ણ હનુમાનજી મંદિર : શક્તિનગર હનુમાનજી, પ્રતાપનગર હનુમાનજી, પોલીસ લાઈન, પારસ ટેકરી, જીએમડીસી કોલોની, કષ્ટભંજન હનુમાનજી, શિવનંદન હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સંકટમોચન હનુમાનજી મંદિર : સંત કરસનદાસજી મહારાજ અને સાધ્વી સુધાદાસજી મહારાજના સાંનિધ્યમાં સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા, દીપમાલા, આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં પ્રસાદના દાતા કરસનભાઈ જોશી સહિતના અન્ય દાતાએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં પાર્વતીબેન ચાવડા, હેતલબેન જોષી, નથુભા જાડેજા, કારૂભા જાડેજા, ચંદ્રકાંતભાઈ જોશી, હીરાભાઈ રંગાણી, નરશીભાઈ પોકાર, અંકુરભાઈ જૈન, ગૌરાંગભાઈ આચાર્ય, સાગરભાઇ ગોહિલ, દિલીપાસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - જખણિયા બાલાજી હનુમાન : કોડાય (તા. માંડવી) : માંડવી-ભુજ હાઇવે વચ્ચે જખણિયા ગામની નજીક આવેલા સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિરે દાતા વિનોદભાઇ કાનજીભાઇ રાબડિયા (નાગલપુર, હાલે કેન્યા) તરફથી અંદાજિત રૂપિયા સવા લાખ જેટલી રકમનો ચાંદીનો હાર બાલાજી હનુમાન મંદિરને અર્પણ કરાયો હતો. પ્રસંગે મારુતિ યાજ્ઞ (હોમ હવન) મુખ્ય યજમાન કાંતિ લખમણ હાલાઇ (જખણિયા), કાંતિ કરશન કેરાઇ (જખણિયા) રહ્યા હતા. યજ્ઞની વિધિ સુમિતભાઇ ત્રિવેદીએ કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ હીરજીભાઇ પૂંજાણીએ મંદિરના વિકાસની માહિતી આપી હતી. પ્રસંગે મૂળજી ભુડિયા, શામજી રાજાણી, કાનજી હીરાણી, નારાણ હાલાઇ સહિત આજુબાજુના ભકતો ઉપસ્થિત રહ્યા હતા. - પાતાળિયા હનુમાન મંદિરે હોમ હવન : મુંદરા પાતાળિયા હનુમાન મંદિરમાં પૂજા-હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. રસલિયામાં હોમહવન : રસલિયા (તા. નખત્રાણા )ના હનુમાનજી (જૂના) મંદિરે પૂજારી હર્ષદ મારાજના સાંનિધ્યમાં મુકેશભાઈ સોનીના યજમાનપદે હોમહવન, આરતી, મહાપ્રસાદ યોજાયા હતા. વ્યવસ્થા હસમુખભાઈ પટેલે સંભાળી હતી. આનંદ હનુમાન : નખત્રાણા ખાતે વથાણ ચોક ખાતે આવેલા આનંદ હનુમાનજી મંદિરે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. - માનસ હનુમંતધામ - નવા કટારિયા : ભચાઉ : કચ્છના ઊંબરે સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર જેવા નવા કટારિયા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું `માનસ હનુમંત ધામ' હનુમાન જયંતીના દિને ભકિતભાવથી ગાજી ઊઠયું હતું. જગ્યાના સ્થાપક અને મહંત પૂ. શાત્રી ભાનુપ્રસાદભાઇ રાજગોરની અધ્યક્ષતામાં માનસધામ સેવા સમિતિના અનેક કાર્યકર ભાઇ-બહેનોની હાજરીમાં પ્રથમ દાદાને ધ્વજારોહણ, મંગળાઆરતી, સાંજે સંધ્યાઆરતી, વિવિધ પ્રકારના ભોગ અને અન્નકૂટ દર્શનની આરતી, દીપમાળા તથા 81 કુંડી મહાયજ્ઞ યોજાયા હતા. વિશેષ નવા કટારિયાના હનુમંતધામની સ્થાપના બાદ પૂ. ભાનુપ્રસાદભાઇ રાજગોરના ગામ આંબલિયારામાં હનુમાનજીનાં મંદિરે ઢોલનગારા વાજિંત્રો સાથે ભોગ ધરાવવા મોટી સંખ્યામાં કટારિયાના ભાવિકો, સેવકો આમલિયારા ગયા હતા. - દુધિયા હનુમાન મંદિરે ઉજવણી : નલિયાના બાધા ખાતે આવેલા દુધિયા હનુમાનજી મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. બજરંગધામ તરીકે પ્રખ્યાત અને પરચાધારી દુધિયા હનુમાનજી મંદિરે કાલભૈરવ દાદાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને હનુમાન જયંતીના દિવસે હવન મહાપ્રસાદ અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નલિયા સહિત આજુબાજુના વિસ્તારના ભાવિભકતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આચાર્યપદે મુકુંદભાઇ નારાયણભાઇ જોશી નલિયાવાળા રહ્યા હતા એવું અહીંની સમિતિ વતી પૂજારી બટુક પંડયા અને પરેશ જોશી અને દાજીભા રાઠોડે જણાવ્યું હતું. - સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઉજવણી : કોટડા (.) (તા. નખત્રાણા) ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમંત જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામનાં મુખ્ય બાર જેટલા હનુમાન મંદિરોમાં સવારે આરતી-પૂજન અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બપોર બાદ ચોકવાળા હનુમાન મંદિરેથી શોભાયાત્રા ગામની મુખ્ય બજારોમાં ફરી હતી. શ્રીરામ -સીતા અને હનુમાનજીની વેશભૂષાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પંચમુખા હનુમાન મંદિરે પણ જડોદર રોડ ખાતે બટુક ભોજન -આરતી-પૂજન સહિતના  કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રા બાદ મહાઆરતી યોજાઇ હતી, જેમાં ગામના સમસ્ત હિન્દુ સમાજના ભાઇ-બહેનો જોડાયા હતા. આરતી બાદ પ્રસાદ વિતરિત કરાયો હતો. - કેસરીનંદનનાં દર્શન અર્થે ભીડ : કોઠારા (તા. અબડાસા) : જખૌ નાકા પાસે આવેલા કેસરીનંદન હનુમાનજી મંદિરે સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. સવારે પૂજા-કીર્તન, સુંદરકાંડના પાઠ, સાંજે મહાઆરતી અને લોટનો પ્રસાદ અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. - લાખાપર હનુમાન મંદિરે ઉજવણી : અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલા વાયોર અકરી મોટી વચ્ચે જંગલમાં આવેલા પ્રાચીન તીર્થધામ લાખાપર હનુમાનજી મંદિરે જાણીતા કલાકારોની સંતવાણી, બીજા દિવસે હોમહવન, મહાપ્રસાદ, સાંજે હનુમાનજી ચાલીસા, સુંદરકાંડ, આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પ્રસંગે સાધુ-સંતો, મહંતો, સરપંચો, સામાજિક-રાજકીય આગેવાનો, દાતાઓનું મંદિરના મહંત કમલદાસજી બાપુ દ્વારા સ્વાગત કરાયું હતું. રાપરના હનુમાન મંદિરોમાં જન્મોત્સવ ઊજવાયો : રાપરનાં હનુમાન મંદિરોમાં ભક્તિભાવપૂર્વક હનુમાન જન્મોત્સવ ઊજવાયો હતો. શોભાયાત્રા અને મહાઆરતી-મહાપ્રસાદનું આયોજન થયું હતું. પૌરાણિક રાપરિયા હનુમાન મંદિરથી  શોભાયાત્રાનું આયોજન  રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જે શહેરના મુખ્ય માર્ગે ફરી હતી. બાર વાગ્યે હનુમાનજી જન્મોત્સવ, આરતી, મહાપ્રસાદ તથા એકસો અગિયાર કિલોના લાડુનો હનુમાન દાદાને પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો, જેમાં રાપર શહેરના આગેવાનો તથા રામાનંદી સાધુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નીલપર રોડ ખાતે આવેલા હનુમાન મંદિર ખાતે મહાઆરતી, મહામંત્ર, હનુમાન ચાલીસા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યાપુરી, ગેલીવાડી તથા તકિયાવાસ હનુમાન મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી હનુમાનજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેઘમેડી હનુમાન મંદિર, રણેશ્ચર હનુમાનજી મંદિર સહિત વાગડ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang