• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

અંધશ્રદ્ધા વ્યક્તિને ધર્મગ્રંથથી દૂર કરે

ભુજ, તા. 25 : શહેરમાં આઇયાનગરના ઓમકારેશ્વર મહાદેવના સાંનિધ્યમાં માતા દેવકાબેન વિઠ્ઠલદાસ હાથીરામ જોશીના આત્મકલ્યાણે ચાલતી શ્રીમદ્ ભાગવતકથાના બીજા દિવસે વકતા શરદભાઇ વ્યાસે મહાભારતનો મહિમા અને તે ગ્રંથને ઘરમાં વસાવવાના દૃષ્ટાંત સાથે અંધશ્રદ્ધા હંમેશાં વ્યકિતને ધર્મગ્રંથથી દૂર કરવાનું કામ કરે છે. પ્રભુના ચરણોમાં પ્રેમ વસાવો અને ઇશ્વરના કૃપાપાત્ર બનો. મહાભારત નીતિશાત્ર અને ભકિતશાત્ર ગ્રંથના 17 પર્વમાં જ્ઞાનની ચર્ચા છે, જ્યારે 14 પર્વમાં યુદ્ધનો છે તેવું કહ્યું હતું. કથાકાર શરદભાઇ છેલ્લા 47 વર્ષથી ભાગવતના માધ્યમથી અનેક સામાજિક અને ધાર્મિક કાર્યોના સાક્ષી બન્યા છે અને તેમના મુખથી તાજેતરમાં કચ્છી આશ્રમ હરિદ્વાર ખાતે હરિદાસજી મહારાજની ઉપસ્થિતિમાં 800મી કથા પૂર્ણ થતાં તેના રાજીપારૂપ આઇયાનગરની 801મી કથાના અવસરે  ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર અને કચ્છ જિલ્લા શાસક પક્ષના નેતા હરિભાઇ જાટિયાના હસ્તે પાઘ?અને શાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રી વાસણભાઇ આહીરે શ્રીકૃષ્ણના ગીત રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યા હતા. કથાના મુખ્ય યજમાન તુલસીદાસભાઇ જોશી અને નવીનભાઇ આઇયા દ્વારા મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તા. 27/5ના શનિવારે સાંજે 6 કલાકે કથામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. સંચાલન જગદીશ ગોર કરી રહ્યા છે. પ્રશાંત વી. જોશી આયોજન સંભાળી રહ્યા છે. ગાંધીધામના સામાજિક અગ્રણી જગદીશ ઠક્કર, મહેશ વ્યાસ, અશ્વિન પંડયા સહિત અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો. કથાકાર મહેશ ભટ્ટ, ધ્રુવકુમાર ભટ્ટ, સરલાબેન જોશી, પબુ ગઢવી `પુષ્પ', હરિસિંહ જાડેજા, બાલુભા જાડેજા, મહેન્દ્રસિંહ ચૂડાસમા, દિલીપ જોશી, હિંમતલાલ વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang