• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

માંડવીમાં 625થી વધુ લોકો સાઈકલોથોનમાં જોડાયા

માંડવી, તા. 27 : માંડવી શહેરના 446મા સ્થાપના દિવસના ઉપલક્ષમાં માંડવી સાઈકલ ક્લબ દ્વારા માંડવી ખાતે ધારાસભ્ય પ્રેરિત સાઈકલોથોન-206માં 6રપથી વધુ લોકો જૈનપુરી ખાતે સાઈકલોથોનની શરૂઆત માટે પહોંચ્યા હતા. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, માંડવી શહેરના સ્થાપના દિવસના ઉપલક્ષમાં છેલ્લાં સાત વર્ષથી સાઈકલોથોન યોજાય છે અને તેમાં 7પ વર્ષથી કરીને પાંચ વર્ષ સુધીના લોકો જોડાય છે. આ રેસ નથી તેથી શાંતિથી સાઈકલ ચલાવીને સમય અવધિમાં પૂરી કરવા જણાવ્યું હતું. સાઈકલિંગના માધ્યમથી લોકો પોતાના સ્વાસ્થનો ખ્યાલ રાખે તેવા ઉદ્દેશ સાથે આ ઈવેન્ટને માંડવીના સ્થાપના દિવસ સાથે જોડવામાં આવેલી છે. ધારાસભ્ય શ્રી દવે, નગરપતિ હરેશભાઈ વિંઝોડા, માંડવી પી.આઈ. બારોટ, સાઈકલ ક્લબના સૌ સભ્યો, રોટરી પ્રમુખ મૌલિક ચંદારાણા, જનકલ્યાણ મેડિકલ સોસાયટીના કિરણભાઈ સંઘવી, વી.કે. સોલંકી, નગરસેવકો, શિવજીભાઈ આહીર સહિતનાઓની ઉપસ્થિતિમાં આ સાઈકલોથોનને ઝંડી બતાવીને સ્ટાર્ટ અપાયો હતો. - સાઈકલિસ્ટોએ અનેરો ઉત્સાહ દાખવ્યો : માંડવી ટાગોર રંગભવનથી પ્રથમ 20 કિ.મી. રાઈડમાં ભાગ લીધેલા રપ0 જેટલા સાઈકલિસ્ટોને સ્ટાર્ટ અપાયો હતો, જેઓ માંડવીથી કાઠડા ગામથી શિરવા-લાયજા ત્રણ રસ્તા સુધીના રૂટમાં જોડાયા હતા, ત્યાર બાદ 37પ જેટલા 10 કિ.મી.ની રાઈડમાં જોડાયેલા સાઈકલિસ્ટોને સ્ટાર્ટ આપવામાં આવ્યો, જેઓ કાઠડા, રાજમહેલ ત્રણ રસ્તા સુધીના રૂટ પર આગળ વધ્યા હતા. બંને રૂટ પર માંડવી પી.આઈ. શ્રી બારોટની આગેવાની નીચે માંડવી પોલીસ સ્ટાફ હાજર રહીને ટ્રાફિક નિયમન સંભાળ્યું હતું. જનકલ્યાણ મેડિકલ સોસાયટીની ટીમ એમબ્યુલન્સ વાન સાથે આખા રૂટ પર હાજર રહી હતી. ફૂલ ગુલાબી ઠંડાનાં વાતાવરણમાં રાઈડના 10 કિ.મી. અને 22 કિ.મી.ના રસ્તા પર પીળા અને લાલ કલરના ટી-શર્ટ પહેરેલા સાઈકલિસ્ટો અને સાઈકલિસ્ટો જ નજરે પડતા હતા. ફર્સ્ટ એઈડ, પાણી સહિતની વ્યવસ્થા કરાઇ હતી. આ ઈવેન્ટમાં ભાગ લેનારા તમામને ટી-શર્ટ, મેડલ વિગેરે અપાયા હતા. - માંડવીના પી.આઈ.એ પણ સાઈકલ ચલાવી : માંડવીના પી.આઈ. શ્રી બારોટ પણ 20 કિ.મી. સાઈકલ ચલાવીને મીડ પોઈન્ટ સુધી પહોંચ્યા હતા અને સાઈકલિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો. ઈવેન્ટના સહયોગીઓનું ધારાસભ્યના હસ્તે અભિવાદન કરાયું. સાઈકલ ક્લબના સભ્યોએ અનિરુદ્ધભાઈ દવેની ભાજપ પ્રદેશ મહામંત્રીની ખુશાલીમાં વિશેષ સન્માન તરીકે શહેરની રતનશી મૂળજી કન્યા શાળાની બાલિકાઓને થેલા વિતરણ કર્યું હતું. શાળાના શિક્ષિકા પારૂલબેન જોષીએ આભાર વ્યક્ત કર્યો હતો. - ભુજથી 25 સાઈકલિસ્ટો પણ જોડાયા : ભુજથી વ્હાઈટ ઈગલ સાઈકલ ક્લબના 15થી 65 વર્ષના 20  જેટલા સાઈકલિસ્ટો પણ ભુજથી સાઈકલ ચલાવીને માંડવી આવીને આ ઈવેન્ટમાં જોડાયા હતા. - માંડવીમાં લોકો સાઈકલિંગ માટે જાગૃત બન્યા : છેલ્લાં આઠ વર્ષથી માંડવી સાઈકલ ક્લબ દ્વારા માંડવીમાં સાઈકલિંગના માધ્યમથી જાગૃતો માટે રેગ્યુલર વિવિધ પ્રવૃત્તિઓ કરાય છે. ખાસ કરીને યુવા વર્ગ મોટી સંખ્યામાં સાઈકલિંગ કરી રહ્યો છે. સાથે વાલીઓ બાળકોને શાળા અને ટયૂશન ક્લાસમાં આવવા-જવા માટે સાઈકલ આપી રહ્યા છે, જેથી સાઈકલના ધંધામાં પણ વધારો જોવા મળ્યો હોવાનું સાઈકલ વિક્રેતાઓએ જણાવ્યું હતું. લોકોને રેગ્યુલર સાઈકલિંગ કરવા માટે પ્રોત્સાહિત કરી તંદુરસ્તી માટે જાગૃતિ કેળવીને માંડવી શહેરના જન્મદિવસના અવસરને યાદગાર બનાવ્યો હતો. સાઈકલ ક્લબના સભ્યો સહયોગી રહ્યા હતા. 

Panchang

dd