વોશિંગ્ટન, તા. 4 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના
બરાબર બે વર્ષ બાદ યોજાતી મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને કમરતોડ પછડાટ મળી છે.
ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બંને ગૃહમાં હાર થઇ છે. અમેરિકી જનતાએ ડેમોક્રેટસને બહુમત
આપ્યો છે. પ્રતિનિધિ ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં કુલ 435 બેઠકમાંથી વિપક્ષી ડેમોક્રેટિક
પાર્ટીએ 228 બેઠક જીતી લીધી હતી, તો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 139 બેઠક જીતી શકી હતી. બીજીતરફ
સેનેટની 100માંથી 35 બેઠક પર ચૂંટણી થઇ હતી, જેમાંથી 33નાં પરિણામ જાહેર થયાં હતાં. ડેમોક્રેટ
20 અને રિપબ્લિકન પાર્ટીએ 13 બેઠક જીતી હતી. બંને ગૃહનાં
પરિણામો મળીને ડેમોક્રેટિક પાર્ટી પાસે 54 અને રિપબ્લિકન પાર્ટી પાસે 44 બેઠક છે. એ જ રીતે ગવર્નરની ચૂંટણીમાં કુલ 36માંથી 34 રાજ્યનાં પરિણામ આવી ચૂક્યાં છે, જેમાંથી 22 રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટી
અને 12 રાજ્યમાં રિપબ્લિકન પાર્ટી
જીતી છે. અમેરિકી રાજનીતિમાં હવે ખરો ખેલ શરૂ થશે. જાન્યુઆરીમાં નવી સંસદ થયા પછી ડેમોક્રેટસ
કમાન સંભાળશે અને ટ્રમ્પ પ્રશાસનની કામગીરીની તપાસ કરી શકશે.મંત્રીઓ, મોટા અધિકારીઓ, ન્યાયમૂર્તિઓનાં
નામ રાષ્ટ્રપતિ નક્કી કરતા હોય છે, પરંતુ તેમાં સેનેટની મંજૂરી
જરૂરી હોય છે. હવે સેનેટમાં ડેમોક્રેટસ પાસે બહુમત હશે, એ જોતાં
વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી ટ્રમ્પે પસંદ કરેલા લોકોની નિયુક્તિ રોકી શકશે. બીજીતરફ,
ટ્રમ્પ કોઇ કાયદાને મંજૂરી આપવાનો ઇન્કાર કરી શકે છે, જેને `વીટો' કહેવાય છે. સંસદનાં બંને ગૃહ બે તૃતિયાંશ બહુમતથી
વીટોને પલ્ટી શકે છે, પરંતુ ડેમોક્રેટસ પાસે તેટલો બહુમત નથી.
દરમ્યાન, પ્રતિનિધિ ગૃહના સ્પીકર માઇક જોનસને જણાવ્યું હતું કે,
હું ગૃહમાં વિપક્ષના નેતાનું પદ મેળવવા ચૂંટણી નહીં લડું. દરમ્યાન,
અમેરિકામાં પહેલીવાર એક જ ચૂંટણીમાં જોર્જિયા, ફ્લોરિડા, વિસ્કોન્સિન અને નેવાડા મળીને ચાર રાજ્યમાં
અશ્વેત ગવર્નર ચૂંટાયા છે. અગાઉ ટ્રમ્પે પોતાની પાર્ટીની હાર પર કહ્યું હતું કે, ડેમોક્રેટસે સારું પ્રદર્શન કર્યું. હું ખુદ
ચૂંટણી લડી રહ્યો હોત, તો રિપબ્લિકન ઉમેદવારો સારું પ્રદર્શન
કરત. - ટ્રમ્પે કહ્યું, ડેમોક્રેટસ સહયોગ આપે; અન્યથા `વિટો' વાપરીશ : વોશિંગ્ટન, તા. 4 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસત્ર ચૂંટણીમાં હાર
સ્વીકારીને કહ્યું હતું કે, તેઓ પરિણામો
સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચૂંટણી પરિણામો આવતાંની સાથે જ મંગળવારે રાત્રે
(યુએસ સમય મુજબ) ટ્રમ્પે એક મુલાકાતમાં ડેમોક્રેટિક પાર્ટી સાથે કામ કરવાની ઈચ્છા પણ
વ્યક્ત કરી .હતી. તેમણે કહ્યું હતું કે, `અમે ડેમોક્રેટ્સ સાથે કામ કરીશું અને તેમની સાથે કામ કરવા માટે
આતુર છીએ. અમે કદાચ કોઈ રસ્તો શોધીશું.' અગાઉ, ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, `હું ચૂંટણીનાં મેદાનમાં નહોતો, જો હું હોત, તો આપણે ભારે
બહુમતીથી જીતી ગયા હોત.' દરમિયાન, મધ્ય-સત્ર
ચૂંટણીનાં પરિણામો અંગેની બીજી પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે,
`હું એક રાજકીય નિષ્ણાત બનવા જઈ રહ્યો છું, જેથી આ ઉમેદવારોની જીત અને હારના કારણો વિશે
સારી અને ખરાબ બંને બાબતો જણાવીશ.'