• મંગળવાર, 23 જુલાઈ, 2024

નવી સંસદમાં નવા ભાવિના શ્રીગણેશ : મોદી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 19 : ગણેશ ચતુર્થીના શુભ દિવસે, નવી સંસદની કાર્યવાહીના  શ્રીગણેશ `નારીશક્તિ વંદન અધિનિયમ' - મહિલા અનામત ખરડાની રજૂઆત સાથે શરૂ થયા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ નવી સંસદમાં તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે, મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસના પ્રસ્તાવને આગળ ધપાવીને અમારી સરકાર આજે એક મોટો બંધારણીય સુધારા ખરડો રજૂ કરી રહી છે. આ બિલનો હેતુ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે. પીએમ મોદીનાં નેતૃત્વમાં મંત્રીમંડળના સભ્યો અને તમામ સાંસદે જૂની ઇમારતથી પગે ચાલીને નવી સંસદમાં પ્રવેશ કર્યો હતો. મહિલા અનામત પર સંસદમાં થયેલી ચર્ચાઓ અને વિચાર-વિમર્શ પર પ્રકાશ ફેંકતા વડાપ્રધાને માહિતી આપી હતી કે, આ મુદ્દે પહેલું બિલ 1996માં રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અટલજીના કાર્યકાળ દરમિયાન તેને ઘણી વખત ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સંખ્યાબળ ન હોવાથી તે પસાર થઈ શક્યું ન હતું. હું માનું છું કે, આ કામ કરવા માટે ભગવાને મને પસંદ કર્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું. 19મી સપ્ટેમ્બર 2023નો આ ઐતિહાસિક દિવસ ભારતના ઈતિહાસમાં અમર થવાનો છે, એમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. જૂની સંસદની ઇમારતને `સંવિધાન સદન' કહેવામાં આવશે, એમ પીએમ મોદીએ આજે જૂની ઈમારતમાં તેમના છેલ્લાં ભાષણમાં જાહેરાત કરી હતી. નવા સંસદ ભવનમાં લોકસભાને સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંકલ્પોને પૂર્ણ કરવાનો અને નવા ઉત્સાહ અને ઊર્જા સાથે નવી યાત્રા શરૂ કરવાનો આ સમય છે. ગણેશ ચતુર્થી અને નવી શરૂઆતના અવસરે લોકમાન્ય તિળકને યાદ કરતાં વડાપ્રધાને કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન લોકમાન્ય ટિળકે ગણેશ ચતુર્થીને સમગ્ર દેશમાં સ્વરાજની જ્યોત પ્રજ્વલિત કરવાના માધ્યમમાં રૂપાંતરિત કરી હતી. આજે આપણે એ જ પ્રેરણાથી આગળ વધી રહ્યા છીએ, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, આજે સંવત્સરી પર્વ પણ છે, જે ક્ષમાનો તહેવાર છે.

જૂની સંસદમાં મતભેદો ભૂલીને નેતાઓ એકબીજાને મળ્યા

નવી દિલ્હી, તા. 19 : જૂનાં સંસદ ભવનને અલવિદા કહીને આજથી નવા સંસદ ભવનમાં સંસદીય કામગીરીનાં શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. તે પૂર્વે જૂના ભવનનાં સેન્ટ્રલ હોલમાં અંતિમવાર સંસદનું સંયુક્ત સત્ર યોજાયું હતું. એ વખતે મતભેદ અને મનભેદ મૂકીને, પક્ષાપક્ષી બાજુએ રાખી તમામ સાંસદો એકબીજાને મળ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ હોલમાં બધા સાંસદો સાથે મુલાકાત કરી હતી અને આમાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીથી લઈને અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. સંયુક્ત સત્રને વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. આ ઔપચારિકતાઓ પછી તમામ સાંસદોનું ફોટોસેશન યોજવામાં આવ્યું હતું અને જૂની સંસદની ઈમારતનાં અંતિમ દિવસની સ્મૃતિને કેમેરાની આંખમાં કેદ કરી લેવામાં આવી હતી. ત્યાર પછી વડાપ્રધાન મોદીની આગેવાનીમાં તમામ સાંસદો ચાલીને નવા ભવનમાં પ્રવેશ્યા ત્યારનો નજારો જાણે ભારતની અપ્રતિમ શક્તિનો પરચો આપતો હોય તેવો હતો. સંયુક્ત સત્ર બાદ વડાપ્રધાન તેમજ અન્ય વરિષ્ઠ મંત્રીઓ ચાલીને નવા સંસદ ભવનમાં પહોંચ્યા હતા, જ્યાં આજે લોકસભામાં મહિલા અનામત ખરડો રજૂ કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang