નવી દિલ્હી, તા. 20 : પાંચ દેશના પ્રવાસના અંતિમ
ચરણમાં ઇટાલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયો મેલોની
વચ્ચે મુલાકાતમાં બંને દેશના સંબંધો વધુ ઊંચાઇ પર લઇ જવા માટે 15 મહત્ત્વની યોજનાઓ અને સમજૂતી
કરારો પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશે હવે દ્વિપક્ષીય સંબંધોને સ્પેશિયલ સ્ટ્રેટેજિક
પાર્ટનરશિપ એટલે કે `િવશેષ રણનીતિક
ભાગીદારી'નું નામ આપ્યું છે. આ ભાગીદારી હેઠળ ટેક્નોલોજી, એઆઇ, ક્વોન્ટમ અને અવકાશ
જેવા ભવિષ્યના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને વિકાસનું નવું એન્જિન માનીને કામ કરવા પર સહમતી
સંધાઇ હતી. ખાસ કરીને મોદી અને મેલોની વચ્ચે ભારત અને યુરોપીય સંઘ મુક્ત વેપાર સમજૂતી
જલ્દી કરવા પર સહમતી બની હતી. બંને દેશે પાંચ વર્ષ માટે તૈયાર કરેલા મોટા રોડમેપ હેઠળ
વેપાર, ટેકનિકલ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની સમજૂતી કરી હતી.
`ભારત-ઇટાલી ઇનોવેશન સેન્ટર' બનશે જેમાં
બંને દેશના વૈજ્ઞાનિકો સાથે મળીને નવા સંશોધનો કરશે. અન્ય મહત્ત્વના કરારમાં બે દેશ
સાથે મળીને ડિઝાઇન, ઉત્પાદન કરશે અને આખી દુનિયામાં વેચાણ કરશે. બે દેશની સેનાઓ સંરક્ષણ
અને અવકાશ ક્ષેત્રોમાં એકમેકને મદદ કરશે. હથિયારો સાથે મળીને બનાવવાની પણ સમજૂતી થઇ
હતી. સમુદ્રી માર્ગો સુરક્ષિત રાખી, જળમાર્ગે વેપાર માટે સાથે મળીને કામ કરાશે. ભારત,
મધ્ય-પૂર્વ અને યુરોપને જોડનાર નવા આર્થિક કોરિડોરને ગતિથી આગળ વધારવા પર ચર્ચા થઇ
હતી, જેનાથી ભારતનો સામાન ઘણા ઓછા સમયમાં, ખર્ચમાં યુરોપ સુધી પહોંચી શકશે. બે દેશે
2029 સુધી દ્વિપક્ષીય વેપાર 20 અબજ યુરોને પાર લઇ જવાનું
લક્ષ્ય રાખ્યું છે. ભારતીય વેપારીઓને યુરોપમાં વેરામાં મોટી છૂટ અપાશે. અન્ય મહત્ત્વના
કરારમાં બે દેશ એઆઇ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે શ્રેષ્ઠ ટેકનિક્સનું આદાન-પ્રદાન
કરશે. પર્યાવરણ બચાવવા માટે સૌર, હરિત ઊર્જા અને સ્માટ ગ્રીડ બનાવવામાં બંને દેશ એકમેકની
મદદ કરશે. ભારતીય છાત્રો, તબીબો, વ્યવસાયીઓ માટે ઇટાલી જઇને અભ્યાસ, વ્યવસાય સરળ બનાવતી
જૂની સમજૂતીની સમીક્ષા કરાઇ હતી. ઇટાલીમાં ભારતીય યોગ, આયુર્વેદ, ખાન-પાન, સાંસ્કૃતિક
સેતુ મજબૂત કરવા પર સમજૂતી કરાઇ હતી. ભવિષ્યમાં ટેકનિક અને ઇલેક્ટ્રોનિક સામાન બનાવવા
માટે જરૂરી દુર્લભ ખનિજોની શોધ અને પુરવઠાની સાંકળ મજબૂત કરવા ભારત અને ઇટાલી સાથે
મળીને કામ કરશે.