અમદાવાદ,તા.20 (અમારા પ્રતિનિધિ તરફથી)
: વન નેશન વન ઇલેક્શન અંગે રાજ્યોના પ્રતિભાવો
અને સૂચનો લેવા આવેલી જોઇન્ટ પાર્લામેન્ટ કમિટિ સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સાકાર થશે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે જે પી સી
દ્વારા આયોજિત બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ
તેમનાં પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ
જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક દેશની વિકાસ યાત્રામાં
સુશાસનની સાથે સાથે સ્પષ્ટ નીતિ અને જનભાગીદારી ખૂબ જ જરૂરી છે. અને આ માટે એક રાષ્ટ્ર,
એક ચૂંટણી દેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. દેશની આઝાદી બાદ સતત 15 વર્ષ સુધી લોકસભા અને વિધાનસભાની
ચૂંટણીઓ સાથે જ થતી હતી. પરંતુ રાજકીય અસ્થિરતાના કારણ એ વ્યવસ્થા તૂટી તેનો પણ ઉલ્લેખ
મુખ્યમંત્રીએ તેમનાં પ્રતિભાવમાં કર્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતુ કે, ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં કે જ્યાં અન્ય
પ્રદેશોનાં લાખો શ્રમિકો કામ કરે છે. વારંવાર થતી ચૂંટણીઓના કારણે આ શ્રમિકોનાં મોટા
વર્ગને મત આપવા માટે પોતપોતાના વતનમાં જવું પડે છે. જેના કારણે રાજ્યના ઉત્પાદન પર
પણ વિપરીત અસર પડે છે. નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીએ જેપીસી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે રાજ્ય સરકારના વલણને
સ્પષ્ટ કરતા કહ્યું કે, આજે ગુજરાત સરકારે આ ઐતિહાસિક મુદ્દે પોતાનો સંપૂર્ણ સહયોગ
જાહેર કર્યો છે. હર્ષ સંઘવીએ ગુજરાત સરકારના એક સર્વેનો હવાલો આપતા જણાવ્યું કે, વારંવાર
આવતી ચૂંટણીઓના કારણે આખી સરકારી ટીમ તેમાં વ્યસ્ત રહે છે, જેના લીધે અંદાજે 50 લાખ કલાકનો સમય વેડફાય છે
અને સામાન્ય નાગરિકોના હિતના કામો અટકી પડે છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે સવાલ કર્યો
કે, જે પ્રાદેશિક પાર્ટીઓ આધાર-પુરાવા વગર આ મુદ્દાનો વિરોધ કરે છે, તેમણે સમજવું જોઈએ
કે જનતા જ નક્કી કરશે કે દેશમાં કોણ ધારાસભ્ય રહેશે અને કોણ સાંસદ.