ગુવાહાટી, તા. 19 : અફઘાનિસ્તાન વિરુદ્ધની એક
ટેસ્ટ અને ત્રણ વન-ડેની ભારતીય ટીમમાં ચાર નવા ચહેરાને તક મળી છે, જ્યારે અનુભવી ખેલાડીઓ
ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને રેસ્ટ અપાયો છે. આ ઉપરાંત કે એલ રાહુલ
હવે રિષભ પંતનાં સ્થાને ટેસ્ટ ટીમનો ઉપકપ્તાન નિયુક્ત થયો છે, જ્યારે વન-ડે ટીમમાં
શુભમન ગિલના ડેપ્યૂટી તરીકે શ્રેયસ અય્યર રહેશે. ગયા વર્ષે નવેમ્બરમાં ઘરઆંગણે દ. આફ્રિકા
સામેની 0-2ની હાર બાદ ટીમ ઇન્ડિયા પહેલીવાર
ટેસ્ટ મેચ રમશે અને તે અફઘાનિસ્તાન સામે ન્યૂ ચંડિગઢ ખાતે 6 જૂનથી રમાશે. ગુવાહાટીમાં આજે અજીત અગરકરની આગેવાનીમાં બીસીસીઆઇની
પસંદગી સમિતિની બેઠક મળી હતી, જેમાં ટેસ્ટ ટીમમાં ડાબા હાથના સ્પિન ઓલરાઉન્ડર માનવ
સુથાર અને ઝડપી બોલર ગુરનૂર બરારને પહેલીવાર પસંદ કરાયા હતા. સ્પિનર હર્ષ દૂબે પણ પસંદ
થયો હતો. આ સામે બુમરાહ, જાડેજા, આકાશદીપ અને અક્ષર પટેલ બહાર થયા હતા. આઇપીએલમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કરનાર ઝડપી
બોલર પ્રિન્સ યાદવને વન-ડે ટીમમાં પહેલીવાર પસંદ કરાયો છે. ગુરનૂર બરાર અને હર્ષ દૂબે
પણ પહેલીવાર વન-ડે ટીમમાં સામેલ થયા છે. પાછલી
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં સામેલ જાડેજા, બદોની, પંત, રાણા અને સિરાજ બહાર
થયા છે. ઇશાન કિશન અને હાર્દિક પંડયાની વન-ડે ટીમમાં વાપસી થઈ છે. ટેસ્ટ ટીમ: શુભમન
ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (ઉપકપ્તાન), સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત
પડીક્કલ, નીતિશકુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ
કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બરાડ, હર્ષ દૂબે અને ધ્રુવ જુરેલ. વન-ડે ટીમ : શુભમન ગિલ
(કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકપ્તાન), કે એલ રાહુલ, ઇશાન કિશન,
હાર્દિક પંડયા, નીતિશકુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ, પ્રસિદ્ધ
કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર અને હર્ષ દૂબે.