કોટડા (ચ.), તા. 20 : કચ્છમાં વધતા પારા વચ્ચે
કેસર કેરીના પાક પર સંકટ ઘેરાયું હતું. બદલાતાં વાતાવરણ, તાપ અને ફૂગના ઉપદ્રવથી બાગાયતદારો
ચિંતિત થયા હતા. દુકાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં
વર્ષોથી ધાન્ય ખેતીમાં નુકસાની ભોગવતા ખેડૂતો હવે મોટાપાયે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા
છે. ભુજ તાલુકાનાં મિયાણીપટ્ટી, માધાપર, કુકમા, પદ્ધર, કાળીતળાવડી, લાખોંદ તેમજ કોટડા
(ચ.), વરલી પંથકમાં ખેડૂતો દાડમ, જામફળ, ખારેક, તરબૂચ, ડ્રેગન ફ્રૂટ અને ખાસ કરીને
કેસર કેરીનો પાક મોટાપાયે લઇ રહ્યા છે. જો
કે, આ વર્ષે બદલાતાં વાતાવરણ, અસહ્ય ગરમી અને ભારે પવનનાં કારણે બાગાયતી પાકોને ભારે
નુકસાન પહોંચી રહ્યું છે તેવુ જાણવા મળ્યું હતું. આ વર્ષે શરૂઆતમાં આંબાનાં વૃક્ષોમાં
સારા મોર આવતાં ખેડૂતો સારાં ઉત્પાદનની આશા રાખી રહ્યા હતા. વસંતપંચમીનાં આગમન સાથે
જ આંબાનાં વૃક્ષો પર મોર (ફૂલ) સારી માત્રામાં દેખાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા
મળ્યો હતો, પરંતુ ત્યારબાદ બદલાતાં વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોમાં આંબાનાં વૃક્ષોમાં
સફેદ ફૂગી જેવા રોગનો ઉપદ્રવ જોવા મળતાં આંબે આવેલા મોર બળી જવાની ભીતિ ઊભી થઈ છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ફાલ આવતાં ફૂલ સારી રીતે થયાં હતાં, પરંતુ બાદમાં ફાલ ખરી પડતાં
ઝાડ પર ફળોની સંખ્યા ઘટી ગઈ છે. જેના કારણે પાકનાં ઉત્પાદન પર સીધી અસર થવાની શક્યતા
વ્યક્ત કરવામાં આવી હતી. કાળી તળાવડીના અરાવિંદભાઈ આહીરના જણવ્યા મુજબ છેલ્લા કેટલાક
દિવસોથી વધી રહેલાં તાપમાન અને ગરમ પવનોના કારણે નાની તથા મધ્યમ કદની કાચી કેરીઓ મોટી
સંખ્યામાં જમીન પર ખરી પડી રહી છે. ભારે તાપના કારણે અનેક કાચી કેરીઓ પર કાળા ડાઘ પડતા
તથા કેરી કાળી પડી જતા કેરીની ગુણવત્તા અને બજારમૂલ્ય ઉપર અસર થવાની ભીતિ વ્યક્ત કરાઇ
હતી. પદ્ધર વિસ્તારના ખેડૂત રમેશભાઈ ખેતા આહીરના જણાવ્યા મુજબ ભારે પવનમાં 20થી 30 ટકા જેટલો કાચો કેરીનો પાક જમીન પર ખરી પડયો હતો. સામાન્ય રીતે
એક ઝાડ પરથી 25થી 30 કિલો ઉત્પાદન મળતું હોય છે, પરંતુ આ વર્ષે માત્ર 10 કિલો જેટલો પાક રહેવાની શક્યતા
છે. તાલુકાના અનેક ગામોમાં હવે બાગાયતી ખેતી
મોટાપાયે કરવામાં આવે છે, ત્યારે ખાસ કરીને `કચ્છી કેસર'ને બચાવવા ખેડૂતો નવી રીતો અપનાવી રહ્યા છે. ઉનાળાના
`આકરો' તાપ, કમોસમી વરસાદ તેમજ જીવાતોથી
પાકને બચાવવા ખેડૂતો કેરીને પ્લાસ્ટિક રૂપી માસ્ક અથવા કવર બાંધીને સુરક્ષિત રાખવાના
પ્રયાસો કરી રહ્યા છે. વાડી વિસ્તારોમાં વૃક્ષો પર લટકતી પ્લાસ્ટિકથી ઢંકાયેલી કેરીઓ
હાલ સૌનું ધ્યાન ખેંચી રહી છે. જો આગામી દિવસોમાં ગરમી અને બદલાતા હવામાનની સ્થિતિ
યથાવત રહેશે, તો કચ્છી કેસર કેરીનાં ઉત્પાદન પર મોટી અસર પડી શકે છે. હાલમાં બાગાયતદારોમાં
પાકને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.