નવી દિલ્હી, તા. 20 : સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણીમાં
જણાવ્યું છે કે સરકારી કર્મચારીઓ પાસે જુના સેવા નિયમો હેઠળ પ્રમોશન માગવાનો કોઈ અધિકારી
હોતો નથી. સરકાર કોઈપણ તબક્કે નવા સેવા નિયમ લાવીને પસંદગી અને પ્રમોશનની રીત અને પ્રક્રિયામાં
બદલાવ કરવા માટે સક્ષમ છે પણ આવા બદલાવ મનસ્વી ન હોવા જોઈએ. જસ્ટિસ દીપાંકર દત્તા અને
ઓગસ્ટીન જોર્જ મસીહની પીઠે હાઈ કોર્ટના ચુકાદા સામે ઓરિસ્સા સરકારની અપીલનો સ્વીકાર
કરતા આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું હતું કે, કોઈપણ કર્મચારી પાસે
પ્રમોશન મેળવવાનો કોઈ નિહિત અધિકાર હોતો નથી અને બઢતીની કોઈ માન્ય અપેક્ષા હોય છે.
પીઠે સ્પષ્ટ કર્યું હતું કે કર્મચારીઓ પાસે માત્ર પોતાની ઉમેદવારી ઉપર વિચાર કરવાનો
એકમાત્ર સીમિત અધિકાર હોય છે. જો કે પીઠે આગળ ઉમેર્યું હતું કે, સરકાર પોતાના વિવેકથી
નિર્ણય કરી શકે છે કે ખાલી પદને પ્રમોશન દ્વારા નહી ભરવામાં આવે. આવી સ્થિતિમાં સરકારને
નિયુક્તિઓ કરવા બાધ્ય કરી શકાય નહી. સુપ્રીમ
કોર્ટે કહ્યું હતું કે વર્તમાન કેસમાં સહાયક ક્ષેત્રીય પરિવહન અધિકારીનું પદ પસંદગીનું
પદ હતું અને પ્રમોશનનું નહોતું. સાથે જ કહ્યું હતું કે પસંદગીની રીત નીતિગત મામલો છે
જે પુરી રીતે સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સરકારને પસંદગીની રીત બદલવી યોગ્ય
લાગે તો તેમાં ફેરફાર કરી શકે છે.