ભુજ, તા. 20 : ખનિજચોરીના જુદા-જુદા ત્રણ
કેસમાં આરોપીઓના નિર્દોષ છુટકારાના ચુકાદા અદાલતે આપ્યા છે. સને 2008ની 86,556 મેટ્રિક ટન બ્લેકટ્રેપ મેટલ
ખનિજચોરી બદલ નખત્રાણા પોલીસ મથકે આરોપી વિશાલ ખુરાના (ખુરાના કન્સ્ટ્રક્શન) તથા અન્ય
ચાર સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો
હુકમ નખત્રાણાની અધિક ચીફ અદાલતે આપ્યો છે. આરોપીઓના બચાવ પક્ષના વકીલ તરીકે નખત્રાણાના
એડવોકેટ વસંતદાન ગઢવી હાજર રહ્યા હતા. કાદર લતીફ મમણ અને અન્ય છ આરોપી વિરુદ્ધ ખાણ
અને ખનિજ અધિનિયમની કલમો તથા ગેરકાયદે મંડળી, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, ચોરી,
ગુનાહિત ધમકી હેઠળ ગુનો નોંધાયો હતો. આ ચકચારી બનાવમાં ગુનો સાબિત ન થતાં આઠમા અધિક
સેશન્સ જજ એન.પી. રાડિયાએ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપીઓ વતી એડવોકેટ મેહુલ
કે. ગોસ્વામી, વસીમ એ. આરબની સાથે કીર્તિ જેપાર, વિજય કોલી જોડાયા હતા. ખાણ-ખનિજચોરીનો
ગુનો આરોપી માવજી વાલા બલસરા અને રાહુલકુમાર રાજેશ ડાંગર સામે નોંધાયો હતો, જેમાં ગુનો
સાબિત ન થતાં આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ આઠમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિયાએ આપ્યો
હતો. આરોપી માવજી વતી એડવોકેટ ફારૂક એમ. સુમરા અને આરોપી રાહુલકુમાર વતી એડવોકેટ રામ એમ. ગઢવી હાજર રહ્યા
હતા. - અપહરણ અને હુમલા કેસમાં આરોપીને
શરતી જામીન : જાનથી મારી
નાખવાના પ્રયાસ સહિતના ગંભીર ગુનામાં આરોપી મયૂરાસિંહ દેવુભા જાડેજાને સાતમા અધિક સેશન્સ
કોર્ટ-ભુજ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસની ફરિયાદ મુજબ આરોપી અને
અન્ય સહઆરોપીઓએ ભોગ બનનાર જયેન્દ્રાસિંહ આસુભા જાડેજાનું અપહરણ કરી મિરજાપર રોડ વિસ્તારમાં
લઈ જઈ લોખંડના પાઈપ તથા લાકડાંના ધોકાથી ગંભીર મારામારી કરી ઈજાઓ પહોંચાડી હતી તેમજ
મોબાઈલ ફોનની લૂંટ પણ કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ કરાઈ હતી, જે તપાસ પૂર્ણ થયા
બાદ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિયાએ શરતી જામીન
મંજૂર કર્યા હતા. આરોપી તરફે વકીલ બી. એસ. ગોરડિયા હાજર રહ્યા હતા. - પોકસો કેસની જામીન અરજી નામંજૂર
: ગઢશીશા પોલીસ મથકમાં આરોપી જાહુલ અમજદ
ફકીર (રહે નંગલા, અહસાનપુર, તા. હોડલ, જિ. પલવલ, રાજ્ય હરિયાણા) વિરુદ્ધમાં પોકસો એક્ટ
તળે ગુનો તા. 20/1/2026ના મૂળ ફરિયાદીની સગીર વયની
દીકરી સાથે બે વખત દુષ્કર્મ કર્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયે
ચાર્જશીટ દાખલ થતાં આરોપી જાહુલએ ભુજની સેશન્સ સ્પે. પોકસો કોર્ટમાં નિયમિત જામીનની
અરજી કરતાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા છે. આ કેસમાં મૂળ ફરિયાદીના વકીલ તરીકે
એફ.એ. સમેજા હાજર રહ્યા હતા.