ભુજ, તા. 20 : કચ્છમાં ગગડેલો મહત્તમ પારો
ફરી ઊંચકાતાં તાપનો પ્રભાવ વધ્યો છે. અંજાર-ગાંધીધામ વિસ્તારમાં દોઢ ડિગ્રીના વધારા
સાથે મહત્તમ તાપમાન 43.2 ડિગ્રીએ
પહોંચતાં આકરો તાપ અનુભવાયો હતો. રાજ્યમાં અમદાવાદ બાદ કંડલા (એ.) ક્ષેત્ર બીજા નંબરનું
ગરમ મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં એક ડિગ્રીના વધારા સાથે મહત્તમ પારો 40.8 ડિગ્રીએ પહોંચતાં જિલ્લા
મથકના લોકોએ ખાસ કરીને બપોરના સમયે તાપની અનુભૂતિ કરી હતી. નલિયામાં 37.2 અને કંડલા પોર્ટમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
લઘુતમ પારો 27થી 28 ડિગ્રીના ઊંચા આંકે પહોંચતાં રાત્રિના સમયે ઉકળાટનો અનુભવ લોકોએ
કર્યો હતો. પ્રતિકલાક 10થી 15 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા
પવને બપોરના લૂ વરસાવી હતી. સાંજના ઢળતા આ પવને થોડી શીતળતાની અનુભૂતિ કરાવી હતી. હવામાન
વિભાગે જારી કરેલા સાત દિવસના વર્તારામાં વાતાવરણમાં મોટા ફેરફારની શક્યતાને નકારી
છે. મહત્તમ પારો 40 ડિગ્રી
આસપાસ રહેવાની સંભાવના દેખાડયામાં આવી છે. રાજ્યના દસ શહેરમાં પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.