• ગુરુવાર, 21 મે, 2026

ગળપાદર નજીક છકડા હડફેટે બાઈકસવાર કિશોરનું અકાળે મોત

ગાંધીધામ, તા. 20 : અહીંના ગળપાદર સર્વિસ રોડ પર છકડાએ બાઈકને હફફેટમાં લેતાં ઘવાયેલા રોનક અલ્પેશ કાનગડ (આહીર) (ઉ.વ. 17) નામના કિશોરે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બીજી બાજુ કિડાણામાં ભરતસિંહ જવાનસિંહ વાઘેલા (ઉ.વ. 25) એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો તેમજ સામખિયાળી ગેટકોમાં કૃષ્ણકાંત શામળ લેઉઆ (ઉ.વ. 18)નું તથા ગાંધીધામમાં મનજિતસિંહ ધર્મપાલસિંહ સૈની (ઉ.વ. 35)નું કોઈ કારણે મોત થયું હતું. ગળપાદરમાં રહેનાર ફરિયાદી દિનેશ કરશન કાનગડ (આહીર) ગાંધીધામમાં ટ્રક રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. ગત તા. 16/5ના તેમના ભાઈ અલ્પેશનો દીકરો રોનક તથા ભૌમિક (ઉ.વ. 15) કામથી કચ્છ આર્કેડ પુલિયા પાસે ગયા હતા, જેથી ફરિયાદી પોતાનું બાઈક નં. જી.જે.-12-ઈકે-7457 લઈને આ બંનેને લેવા ગયા હતા. બંનેને લઈને ફરિયાદી ગળપાદર બાજુ જઈ રહ્યા હતા ત્યારે ગાયત્રી ક્રેન સર્વિસના વાડા નજીક સર્વિસ રોડ પર છોટા હાથી (છકડા) જેવાં વાહને બાઈકને હડફેટમાં લીધું હતું, જેમાં બંને કિશોરને ગંભીર ઈજાઓ થઈ હતી. રોનકને પ્રથમ આદિપુર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો. સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ કિડાણા ગાયત્રી નગર હાઉસિંગ સોસાયટી, રાધાક્રિષ્ના મંદિર પાસે રહેનાર ભરતસિંહ નામનો યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો દરમ્યાન અગમ્ય કારણોસર તેણે પંખામાં ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો બનાવ સામખિયાળી 132 કે.વી. ગેટકો સબ સ્ટેશનમાં બન્યો હતો. મૂળ મહેસાણાના કૃષ્ણકાંત લેઉઆ અહીં પોતાના રૂમમાં મૃત મળી આવ્યા હતા. આ યુવાનનું મોત કયા કારણોસર થયું તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. અપમૃત્યુનો ત્રીજો બનાવ ગાંધીધામના સાઈ પાર્કિંગ શિવમંદિર પાસે પીએસએલ કાર્ગોમાં બન્યો હતો. આ ટ્રકચાલક ટ્રકની નીચે ઊતરતાં અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોતનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd