• ગુરુવાર, 21 મે, 2026

મુંબઇને હરાવી કેકેઆરે પ્લેઓફની આશા જીવંત રાખી

કોલકાતા, તા. 20 : કેકેઆરે અહીં નિસ્તેજ મુંબઇ ઇન્ડિયન્સને ચાર વિકેટે હરાવીને પ્લેઓફની ધૂંધળી આશા જીવંત રાખી હતી. કોલકાતાના બોલેરોએ વરસાદના વિઘ્ન સાથેની મેચમાં એમઆઇને 147 રન સુધી સીમિત રાખ્યા બાદ મનીષ પાંડે અને  રોયમેન પોવેલે ટીમને 18.5 ઓવરમાં જીત અપાવી હતી. આ જીત સાથે કેકેઆરના 13 પોઇન્ટ થયા છે. જો કે, રનરેટ હજી પણ 0.01 છે. મુશ્કેલ પીચ પર ફિન્ન એલન (8), કેમરૂન ગ્રીન (4) અને અજિંક્ય રહાણે (21) જામ્યા નહોતા, પણ પાંડેએ 33 દડામાં 45 અને પોવેલે 30 દડામાં બે છગ્ગા સાથે 40 રન કરી જીત નિશ્ચિત બનાવી હતી. કોર્બિન બોશ્ચે 18 દડામાં 32 રન કર્યા બાદ 30 રનમાં ત્રણ વિકેટે ખેરવી હતી પણ તેનો દેખાવ એળે ગયો હતો. અગાઉ કેકેઆરની સચોટ બોલિંગ અને ઇડન ગાર્ડનની બોલરોને મદદગાર પિચ પર મુંબઇ ઇન્ડિયન્સના 20 ઓવરમાં 8 વિકેટે 147 રન થયા હતા. પૂંછડિયા ખેલાડી કોર્બિન બોશ્ચે 28 દડામાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાથી 32 રને અણનમ અને દીપક ચહર બે ચોગ્ગા સાથે 10 રન કરી આઉટ થયો હતો. આ બન્ને વચ્ચે નવમી વિકેટની ભાગીદારીમાં 20 દડામાં 42 રનનો ઉમેરો થયો હતો. આ બન્નેએ આખરી બે ઓવરમાં 32 રનનો ઉમેરો કરી મુંબઈને 147 રનના સન્માનજક સ્કોર પર પહોંચાડયું હતું. વરસાદને લીધે એક કલાક સુધી રમત અટકી ગઇ હતી. મુંબઇની શરૂઆત ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં જ 46 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. રિકલ્ટન 6, રોહિત 1પ, નમન ધીર 0, સૂર્યકુમાર 1પ, તિલક 20 અને કપ્તાન હાર્દિક પંડયા 26 રન કરી આઉટ થયા હતા. વિલ જેકસ 14 રને રનઆઉટ થયો હતો. કેકેઆર તરફથી સૌરભ દુબે, કેમરૂન ગ્રીન અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ લીધી હતી. નારાયણને 1 વિકેટ મળી હતી. 

Panchang

dd