• ગુરુવાર, 21 મે, 2026

મોબાઈલની લોન નહીં ભરાય તો ફોન બેંકના તાબામાં

નવી દિલ્હી, તા. 20 : લોન ઉપર મોબાઈલ ફોન ખરીદવાનું વિચારતા લોકો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ મોબાઇલ ફોન લોન સંબંધિત ડિફોલ્ટ એટલે કે મોબાઈલની લોન ન ભરવામાં આવી હોય તેવા કેસો માટે નવા નિયમોનો મુસદ્દો જાહેર કર્યો છે. જે મુજબ કોઈ ગ્રાહક મોબાઇલ ખરીદવા માટે લીધેલી લોન પરત ન ચૂકવે તો બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ફોનની કેટલીક સુવિધાઓ મર્યાદિત કરી શકશે એટલે કે ફોનને નિયંત્રિત કરી શકશે. આ નવા નિયમો 1 ઓક્ટોબર-2026થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ડિજિટલ લેન્ડર્સ અને ફિનટેક કંપનીઓ મોબાઇલ ફાઇનાન્સ દરમિયાન ટેકનિકલ માધ્યમોથી ફોન બ્લોક કરવાની સુવિધાનો ઉપયોગ કરી રહી હતી. હવે રિઝર્વ બેન્કે તેને સત્તાવાર રીતે નિયમિત કરવા માગે છે. બેન્કોને ફોન નિયંત્રિત કરવા માટે કેટલાક કડક નિયમોનું પાલન કરવું પડશે. આવાં નિયંત્રણો માત્ર ત્યારે જ લગાવી શકાશે જ્યારે લોન ખાસ કરીને તે ડિવાઇસ ખરીદવા માટે લેવાઈ હોય. લોન એગ્રીમેન્ટમાં આવી કાર્યવાહી માટે સ્પષ્ટ મંજૂરી હોવી જોઈએ અને કઈ પરિસ્થિતિમાં પ્રતિબંધ લગાવી શકાય તે પણ સ્પષ્ટ રીતે લખેલું હોવું જોઈએ. સાથે જ ગ્રાહકોને એ પણ જણાવવું પડશે કે કાર્યવાહી કયા ક્રમમાં થશે, ડિફોલ્ટ સુધારવા માટે કેટલો સમય મળશે અને ફરિયાદ કરવા માટે કયા વિકલ્પ ઉપલબ્ધ રહેશે. ડ્રાફ્ટ નિયમો અનુસાર, લોન આપનાર સંસ્થા ત્યારે જ પ્રતિબંધો શરૂ કરી શકશે જ્યારે ખાતું 90 દિવસથી વધુ સમયથી બાકી હોય અને ગ્રાહકને અનેક નોટિસ આપવામાં આવી ચૂકી હોય. સૌથી પહેલાં જ્યારે લોન 60 દિવસથી વધુ સમય સુધી બાકી રહે ત્યારે નોટિસ આપવામાં આવશે, જેમાં ગ્રાહકને ડિફોલ્ટ સુધારવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય આપવામાં આવશે. કોઈ પણ પ્રતિબંધ મૂકતા પહેલાં બીજી નોટિસ આપવી ફરજિયાત રહેશે, જેમાં વધારાના 7 દિવસનો સમય આપવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, રિઝર્વ બેન્કે જરૂરી સુવિધાઓ સંપૂર્ણપણે બંધ કરવાની મનાઈ કરી છે. ઈન્ટરનેટ એક્સેસ, ઇનકામિંગ કોલ, ઇમર્જન્સી એસઓએસ અને સરકાર અથવા જાહેર સુરક્ષા સંબંધિત સંદેશાઓ બંધ કરી શકાશે નહીં. ડ્રાફ્ટ સૂચનાઓમાં એ પણ જણાવાયું છે કે જોગ્રાહક બાકી રકમ ચૂકવી દે તો એક કલાકની અંદર તમામ પ્રતિબંધો દૂર કરવા પડશે. જો ભૂલથી ફોન બ્લોક થઈ જાય અથવા સુવિધાઓ ફરી શરૂ કરવામાં વિલંબ થાય, તો સમસ્યા ઉકેલાય ત્યાં સુધી ગ્રાહકને દર કલાકે 250 રૂપિયા મુજબ વળતર આપવું પડશે. લોન સંપૂર્ણપણે ચૂકવાઈ જાય પછી ફોન નિયંત્રિત કરતું સોફ્ટવેર તરત દૂર કરવું પણ ફરજિયાત રહેશે. 

Panchang

dd