નવી દિલ્હી, તા. 20 : એક તરફ દેશની સામાન્ય જનતા
પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવોના કારણે મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે બીજી
તરફ દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં જાહેર
થયેલાં નાણાકીય પરિણામો દર્શાવે છે કે, પેટ્રોલિયમ કંપનીઓને તો જબરદસ્ત નફો થયો છે,
પરંતુ સામાન્ય પ્રજાનાં ખિસ્સા ખાલી થઈ રહ્યાં છે. દેશની અગ્રણી ઓઈલ કંપની ઈન્ડિયન
ઓઈલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન
પેટ્રોલિયમે 2025-26ના નાણાકીય વર્ષમાં નફાના
તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં
રૂા. 26,000 કરોડનો ધૂમ નફો થયો છે. સામાન્ય
પ્રજા જ્યારે પેટ્રોલ પંપ ઉપર મોંઘા ભાવનું ઇંધણ ભરાવીને પોતાનું ખિસ્સું ખાલી કરી
રહી છે, ત્યારે સરકારી ઓઇલ કંપનીઓની તિજોરીઓ છલકાઈ રહી છે. ઇન્ડિયન ઓઇલને માર્ચ 2026ના ત્રિમાસિકમાં રૂા. 14,667 કરોડ નફો થયો છે, તો ભારત
પેટ્રોલિયમનો માર્ચ ક્વાર્ટર 2026નો નફો
રૂા. 6,442 કરોડ છે. એવી જ રીતે, હિન્દુસ્તાન
પેટ્રોલિયમ કંપનીનો માર્ચ ક્વાર્ટર 2026નો નફો રૂા. 4,902 કરોડે પહોંચી ગયો છે. આ કંપનીઓનો દાવો છે કે, બેવાર ભાવ વધારો
કર્યા પછી પણ તેઓ પેટ્રોલમાં લિટરે રૂા. 10થી 14 અને ડીઝલમાં
લિટરે રૂા.25થી 30ની ખોટ કરી રહી છે. આ અંગે બીપીસીએલના ફાઈનાન્સ ડિરેક્ટર વી.રામકૃષ્ણ
ગુપ્તા જણાવી ચૂક્યા છે કે, તાજેતરમાં ઈંધણના ભાવમાં વધારો કરાયો હોવા છતાં કંપનીને
હજુ પણ ડીઝલ પર પ્રતિ લિટર રૂા.25થી 30 અને પેટ્રોલ પર પ્રતિ લિટર
રૂા.10થી 14નું નુકસાન થઈ રહ્યું છે. હકીકત એ છે કે, સામાન્ય માણસના ઘરનું
બજેટ ભલે ખોરવાયું, પણ પ્રજાનું તેલ કાઢીને કંપનીઓએ નફાનો જોરદાર બૂસ્ટર ડોઝ મેળવી
લીધો છે ! રસપ્રદ વાત એ છે કે, ઇન્ડિયન ઓઈલ ભારત સરકારને 909 કરોડ ડિવિડન્ડ પણ ચૂકવશે,
કંપનીની એક શેર સામે રૂા. 1.25 ડિવિડન્ડની
જાહેરાત કરી છે. પેટ્રોલિયમ કંપનીઓના આ આંકડા સ્પષ્ટ કરે છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં
ક્રૂડ ઓઈલના ભાવોની સ્થિતિ ગમે તે હોય, કંપનીઓએ પોતાનો નફો સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખ્યો
છે. બીજી તરફ સામાન્ય પ્રજા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ મોટો રાહતજનક ઘટાડો ન થતાં,
સામાન્ય માણસની આર્થિક ખોટ અને મુશ્કેલીઓ આજે પણ યથાવત્ રહી છે.