• ગુરુવાર, 21 મે, 2026

આરએન્ડબી એ વરસાદી નાળું બંધ કરતા પાણી શિણાયના સોસાયટી વિસ્તારમાં વળ્યું

ગાંધીધામ, તા. 20 : શિણાય નજીક માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાના પુલના કામ દરમ્યાન વરસાદી નાળુ બંધ કરી દેવાતા ગટર સહિતનું પાણી વૃંદાવન વિલા સહિતની સોસાયટીઓમાં ઘૂસતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના પગલે આ વિસ્તારના લોકો મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. શિણાયની વૃંદાવન વિલા સહિતની સોસાયટીઓને આસપાસ ખુલ્લી જમીનમાંથી ગટર વહે છે. લાંબા સમયથી દૂષિત પાણી ખુલ્લામાં જઈ રહ્યું છે તેવામાં માર્ગ અને મકાન વિભાગે રાજ્ય ધોરી માર્ગ ઉપર પુલ બનાવતી વેળાએ વરસાદી નાળુ બંધ કરી દેતા દૂષિત પાણી આ સોસાયટી વિસ્તારોમાં જઈ રહ્યું છે. આ સ્થિતિના કારણે રોગચાળાનો પણ ખતરો ઊભો થયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીઓ ઉપર તો સવાલો ઊઠી જ રહ્યા છે. પરંતુ આવી રીતે વરસાદી નાળુ બંધ કર્યા પછી ખોલવામાં ન આવતા સોસાયટી વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.  મહાનગરપાલિકા બન્યા પછી ગ્રામીણ વિસ્તારની સોસાયટીઓમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી તેવામાં આવી સમસ્યાઓ વધી રહી છે. આ વિસ્તારના લોકો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગોને રજૂઆતો કરી હતી. હંમેશાંની જેમ લોકોને સમસ્યા હલ થવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ અહીં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  તાત્કાલિક લોકોની સમસ્યા દૂર કરવા માટે જે બંધ કરેલું વરસાદી નાળુ ખોલવામાં આવે તે જરૂરી હોવાનું લોકોએ કહ્યું હતું. આ ઉપરાંત ખુલ્લામાં ગટરનું દૂષિત પાણી વહી રહ્યું હોઈ વહીવટી તંત્ર દ્વારા અહીં લાઈન નાખવા સહિતની કાર્યવાહી કરવાની માંગ લોકોએ કરી હતી. સાથે સાથ ગ્રામીણના સોસાયટી વિસ્તારમાં લોકોને માળખાગત સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ પણ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. 

Panchang

dd