• ગુરુવાર, 21 મે, 2026

કચ્છના એ ખેડૂતો કહે છે : ખાતર સંકટની ચિંતા નથી

ભુજ, તા. 20 : માનવતાનાં દુશ્મન સમાન કાળમુખાં યુદ્ધથી દેશ-દુનિયામાં ઊર્જા સંકટ સર્જાયું છે. પેટ્રોલ, ડીઝલ, ગેસની અછતના અહેવાલો ઉચાટ સર્જી રહ્યા છે. `જીવન જરૂરી' લેખી શકાય, તેવાં ઇંધણોની જેમ જ ખાતરની પણ અછતે  ખેડૂતોની ચિંતા વધારી છે... ત્યારે ગાય આધારિત ખેતી કરી રહેલા કચ્છના ખેડૂતો એકી અવાજે કહી રહ્યા છે કે, ખાતરની અછત થાય તો ભલેને થતી.... અમારા જેવા ખેડૂતોને જરા જેટલી પણ ચિંતા નથી. મજાની વાત એ છે કે, પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણોના તરત અને સરળતાથી મળી શકે તેવા કોઇ વિકલ્પ નથી, પરંતુ વિદેશોથી આયાત કરવાં પડતાં યુરિયા, ડીએપી જેવાં રાસાયણિક ખાતરોના વિકલ્પ કચ્છના ખેડૂતો પાસે છે.  યુરિયા, ડીએપી જેવા `િવદેશી' ખાતરોની કોઇ ગરજ કે જરૂર આપણા રણ પ્રદેશના એવા કિસાનોને કદી પડી નથી અને પડશે પણ નહીં. જે ખેડૂતો ગાયનાં ગોબર, ગૌમૂત્ર, દૂધ, ગોળમાંથી જાતે કુદરતી ખાતરો બનાવીને પોતાના પાકને પોષણ પૂરું પાડી રહ્યા છે. `કિસાન દિવસ'ના અવસરે સરકાર તરફથી એવોર્ડ મેળવનાર પીઢ કિસાન અગ્રણી વેલજી ભુડિયા દૂધ-ગોળનાં ખાતરથી પાકને પોષણના પાઠ ભણાવી રહ્યા છે. રેતીમાંથી રતન પકવવાના પરિશ્રમ સાથે પ્રયોગ શીલતાનાં પ્રભાવશાળી પરિણામ મેળવતાં રણપ્રદેશના ખેડૂતો `યુદ્ધ પ્રેરિત' ખાતરની અછતનાં સંકટ સામે વટભેર લડી રહ્યા છે. એક તરફ ગુજરાત રાજ્યની સરકારે ખાતર સંકટ સામે સંકલિત અને સમતોલ ખાતર વપરાશનું રાજ્યવ્યાપી અભિયાન 16મી મેથી એક મહિના માટે છેડયું છે... બીજી તરફ, ગાયની મદદથી ખેતી કરતા ખેડૂતો ખેડૂત સમાજને જૈવિક, સેન્દ્રીય, પ્રાકૃતિક ખાતરનું પોષણ પાકને આપવાની ભારભેર ભલામણ કરી રહ્યા છે. - વિદેશી ખાતરની અછતની આફત અવસર રૂપે આવી છે : પ્રકૃતિના ખોળે ખેતી કરતા `ગૌભક્ત' કિસાન મેઘજીભાઇ હીરાણી મજાની વાત કરતાં કહે છે કે, યુદ્ધથી સર્જાયેલી ખાતરની અછત આફત છે જ નહીં, અવસર છે. આવી આફત આપીને કુદરતે ખેડૂતોને સંકેત આપ્યો છે કે, કુદરત તરફ પાછા વળો. તમારા પોતાની પાસે લાખો ખર્ચતાં ન મળે તેવી `ખાતરદાત્રી' ગાયમાતા છે... તો પછી ખાતર મેળવવા માટે વિદેશી બજારોની ગરજ શા માટે રાખો છો !કચ્છના કિસાનો ધારે તો ચિંતાની કોઇ વાત જ નથી... કચ્છમાં ગોબર, ગૌમૂત્રની કોઇ અછત જ નથી તેવું મેઘજીભાઇ કહે છે. - ગોબર-ગૌમૂત્રમાંથી પાકને નાઈટ્રોજન, એનપીકે મળી રહે : ગૌમૂત્રમાં નાઈટ્રોજનનું પ્રમાણ પૂરતું હોય છે. ખાતરનો કમપોસ્ટ કરીને ઉપયોગ કરો. ગોબરમાંથી એનપીકે મળી રહે. ગૌમૂત્ર સાથે આકડાનાં પાનનું મિશ્રણ કરીને ખાતર આપતાં પોટાસનું પોષણ પાકને મળી રહે છે. - ડીઝલની અછત થાય તો પણ એ ખેડૂતોને ચિંતા નથી : ગાય આધારિત ખેતી કરતાં ખેડૂતો જનરેટર ગોબર ગેસથી ચલાવી રહ્યા છે. ડીઝલની અછત થાય તો ભલેને થાય... અમારા જેવા ખેડૂતોને કોઈ ચિંતા નથી, તેવું પ્રકૃતિના ખોળે ખેતી કરતા ધરતીપુત્રો વટભેર કહી રહ્યા છે. ગુજરાતમાં ચાર-પાંચ કેન્દ્રો એવાં છે, જ્યાં ગોબર ગેસમાંથી સીએનજી બને છે. આમ સીએનજી ખૂટે તોયે ચિંતા ન કરવી પડે તેવી સ્થિતિ છે. - ગાયનું `સમાધિ ખાતર' નાખો, પાંચ વર્ષ ડીએપી વિના ચાલશે : મેઘજીભાઈ મજાની વાત કરતાં કહે છે કે, ગાયનું સમાધિ ખાતર એક એકરમાં નાખો તો ફોસ્ફરસ ખૂટયો ન ખૂટે... પાંચ વર્ષ સુધી ડીએપી નાખવાની જરૂર નહીં પડે. ગાયને જ્યાં સમાધિ આપી હોય તે જમીનની અંદરથી માટી કાઢીને સીધી ખેતરમાં નાખી દેવાની છે. ખાડામાં ચૂનો, નીમક નાખી દેવાનું. જમીનમાં નીચે અને પછી ઉપર ગાયનું જ ગોબર (છાણ) નાખી દેવાનું, એ રીતે ગાય માતાને સમાધિ દેવાય છે. અઢી વર્ષ પછી માત્ર ખરી અને શિંગડાં જ બચશે... બાકી માટી બની જાય... એ માટીને ખાતરરૂપે આપો એટલે પાક માટે પોષણ, જમીન માટે જડીબુટ્ટી કામ કરે... - હાથી મર્યા પછી સવા લાખનો, ગાય માતાનું પણ એવું જ છે : કહેવાય છે ને કે, હાથી જીવતો લાખનો, મર્યા પછી સવા લાખનો... આપણી ગાય માતાનું પણ એવું જ છે. ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ બાદ તેની જ માટી પણ માતાની જેમ જમીન-પાકને પોષણ પૂરું પાડે છે. હવે વિચારો, `િવદેશી' યુરિયા, ડીએપીની ગરજ આવા ગૌભક્ત ખેડૂતોને ક્યાંથી પડે. - રામકૃષ્ણ ટ્રસ્ટ જાતે જ કુદરતી ડીએપી બનાવે છે : પ્રકૃતિના ખોળે ખેતીના પ્રખર પ્રચારક મનોજભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કુકમા સ્થિત કૃષિપોષક સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટના કાર્યકરો જાતે કુદરતી ડીએપી ખાતર બનાવી રહ્યાં છે. ગાયનું ગોબર, ફોસ્ફરવાળી માટી અને બેકટેરિયાથી કુદરતી દાણેદાર ડીએપી ખેતર બનાવવાની પહેલ પ્રેરક છે ભલા... મજાની વાત તો એ છે કે, આવું ખાતર તરત તાત્કાલિક બનાવી શકાય છે. - કુદરતી `ભૂશક્તિ' ખાતર યુરિયાનો મજબૂત વિકલ્પ : કચ્છ ઘાસચારા, ફળઝાડ અને જંગલ વિકાસ ટ્રસ્ટના અભ્યાસુ  અધ્યક્ષ જયેશ  લાલકાનાં પથદર્શન હેઠળ સંસ્થાના કાર્યકરોએ લિગ્નાઈટ કોલસો, રેડવોકર (ગેરૂ) તેમજ ચેક ફોરેસ્ટ જેવા સ્થાનિક કાચા માલમાંથી ભૂશક્તિ ખાતર બનાવ્યું છે. ગેરૂમાંથી જમીન માટે જડીબુટ્ટી જેવું લોહતત્ત્વ તેમજ  ફોસ્ફેટમાંથી ફોસ્ફરસનું પોષણ પાકને પૂરું પાડી શકાય છે. આ સંસ્થાએ બાજરો, જુવાર, મગ, મઠ, તલ, ગોવાર જેવાં ખાતર વગર કે ઓછાં ખાતરે પણ ટકી શકે તેવા દેશી બીજની બજાર વ્યવસ્થા પણ ઊભી કરી છે. આપણા દેશના પૈસા વિદેશોમાં જતા રોકીએ, જીવામૃત, ઘનજીવામૃત બનાવીએ, કુદરતની અમૂલ્ય ભેટ સમાન ગાય માતાની મદદથી ખેતી કરીએ તો યુદ્ધપ્રેરિત ખાતર સંકટ ખેડૂતનું કંઈ નહીં બગાડી શકે તેવું કચ્છના ખેડૂતો વટભેર કહી રહ્યા છે. 

Panchang

dd